દેશના 80 ટકા નાના ઉદ્યોગો કોવિડ-19 મહામારીમાંથી ઝડપી રિકવરી થવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. નાના ઉદ્યોગોના 71 ટકા માલિકોએ જણાવ્યુ હતુ કે, ગ્રાહકોનો વિશ્વાસ ફરીથી વધ્યો છે. અમેરિકન એક્સપ્રેસ દ્વારા જારી સર્વે અનુસાર, આગામી 3થી 6 મહિનામાં 63 ટકા ગ્રાહકોની ખરીદ શક્તિ પ્રિ-કોવિડના સ્તરે પહોંચવાની શક્યતા છે. દેશના નાના વેપારો પર મહામારીની અસર અંગે સર્વે હાથ ધરાયો હતો. જેમાં ગ્રાહકોની બદલાતી માગ અનુસાર નવા અભિગમો અપનાવી વેપારોનુ સાતત્ય જાળવી રાખવા અંગેની યોજનાઓનુ નિરિક્ષણ કરવામાં આવ્યુ હતું.

અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પ ઈન્ડિયાના એસવીપી અને સીઈઓ મનોજ અદ્લખાએ જણાવ્યુ હતુ કે, નાના વેપારો ગ્રાહકોનો વિશ્વાસ પાછો મેળવવા તેમજ બિઝનેસ ટકાવી રાખવા માટે સ્ટોરમાં સુરક્ષાના માપદંડો પર ફોકસ કરી રહ્યા છે. આ ઉપરાંત કોન્ટેક્ટલેસ પેમેન્ટ, ડિલિવરી મેથડ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને કોમ્યુનિકેશન પર પણ ફોકસ કરી રહ્યા છે.

લોકડાઉન પ્રતિબંધો હળવા થવા સાથે નાના વેપારોમાં આશાવાદ છે કે, ગ્રાહકોની માગ પ્રિ-કોવિડ સ્તરે પાછી ફરશે. 70 ટકા ગ્રાહકો નાના સ્થાનિક ઉદ્યોગો પાસેથી ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી બાજુ નાના વેપારો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. ગ્રાહકો હવે પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપી રહ્યા છે.

આગામી સમયમાં મોટા ભાગના સેક્ટર કોરોના મહામારીમાંથી ઝડપી બહાર આવી જશે તેવો અંદાજ છે. જોકે હવેનો સમયગાળો ભારતમાં તહેવારોનો આવી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા ગ્રાહકોનું સેન્ટીમેન્ટ પોઝિટીવ બનશે અને ગ્રાહકોની જરૂરીયાત મુજબ ડિમાન્ડ આવશે જેના કારણે ઉદ્યોગોને સારો સપોર્ટ મળી રહે તેવી આશા છે. આગામી 3થી 6 મહિનામાં 63 ટકા ગ્રાહકોની ખરીદ શક્તિ પ્રિ-કોવિડના સ્તરે પહોંચવાની શક્યતા છે.

Source by [author_name]