સુશાંતનું કોટક મહિન્દ્રા બેન્કમાં અકાઉન્ટ હતું. CBIની એક ટીમ અહીંયા પણ તપાસ માટે આવી હતી.

  • 14 જૂને સુશાંતે તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી
  • આ કેસની તપાસ મુંબઈ અને બિહાર પોલીસ, CBI, ED અને NCB કરી ચૂકી છે

AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંત ડેથ કેસમાં તેનો નિર્ણય આપીને જણાવી દીધું છે કે આ ક્લીયર કટ આત્મહત્યા છે. હવે બીજી બાજુ તેના બેન્ક ખાતાના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કઈ શંકાસ્પદ નથી મળ્યું. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સુશાંતના બધા બેન્ક ખાતામાં છેલ્લા 5 વર્ષ દરમ્યાન 70 કરોડ રૂપિયાની આપ-લે થઇ છે, તેમાં માત્ર 55 લાખ રૂપિયા જ રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા મળ્યા છે. તેમાં મોટાભાગના ટ્રાવેલિંગ, સ્પા અને ગિફ્ટ ખરીદવામાં ખર્ચ થયા હતા.

CBI હવે આ એન્ગલથી કેસની તપાસ કરશે
આત્મહત્યાનો કેસ સ્પષ્ટ થયા બાદ CBI હવે તેના કારણોની તપાસ કરશે. તેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકનો રોલ, બોલિવૂડમાં પ્રોફેશનલ રાઈવલરી અને નેપોટિઝ્મ, નશીલી દવાઓનો દુરૂપયોગ અને સુશાંતનું માનસિક સ્વાસ્થ્યના એન્ગલ સામેલ છે.

સુશાંતના પિતાએ 15 કરોડ રૂપિયાના ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો છે
ડ્રગ્સ કેસમાં મુંબઈની ભાયખલા જેલમાં બંધ રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં 15 કરોડ રૂપિયાનો ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો હતો. ત્યારબાદ EDએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો હતો અને એક્ટ્રેસની ત્રણ વખત પૂછપરછ કરી. જોકે, EDએ હજુ તેનો ફાઇનલ રિપોર્ટ જાહેર કર્યો નથી. આ કેસની તપાસ દરમ્યાન રાજપૂતના બેન્ક ખાતાનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું.

સુશાંતની જાણકારીમાં આ પૈસા ખર્ચ થયા
સૂત્રોના જણાવ્યા મુજબ, આ રિપોર્ટ CBIને પણ મોકલી દેવાઈ છે. તેમાં એવું ક્યાંય સાબિત નથી થતું કે રિયાએ સુશાંતના પૈસા પોતાના કે પોતાના પરિવાર માટે લીધા હતા. મોટાભાગના પૈસા સુશાંતની મરજી અથવા તેની જાણકારીથી જ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ પૈસા સુશાંતની કુલ આવકની સરખામણીએ ઘણા ઓછા છે. જોકે, ખાતા સાથે જોડાયેલી અન્ય જાણકારી હજુ પણ જાહેર થવાની બાકી છે.

CBI અત્યાર સુધી બે ડઝનથી પણ વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે
CBI આ કેસમાં બે ડઝનથી પણ વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે.તેમાં રિયા ચક્રવર્તી અને તેના ઘરના સભ્યો, સુશાંત રાજપૂતના ઘરના સભ્યો, તેનો સ્ટાફ, હાઉસ મેનેજર, તેના ડોક્ટર્સ અને અમુક મિત્રો અને જાણીતા લોકો સામેલ છે. એજન્સીને પાવના ડેમ રિસોર્ટના કર્મચારીઓની પણ પૂછપરછ કરી જ્યાં સુશાંત વેકેશન માટે ગયો હતો.

Source by [author_name]