- ગુજરાતમાં રૂ. 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 59 લોકો
- રાજ્યના અમીરોની સંપત્તિમાં 3%થી 52% સુધીનો વધારો
હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થે આજે ઇન્ડિયા રિચ લિસ્ટ 2020ની યાદી બહાર પાડી છે. આ લિસ્ટ મુજબ ગુજરાતમાં ગુજરાતમાં 49 લોકો એવા છે જેમની વેલ્થ રૂ. 1000 કરોડથી વધુ છે. આ યાદીમાં રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે જયારે રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે.
ગુજરાતના ટોપ-20 ધનકુબેરો
નામ | સંપત્તિ (રૂ.) | કંપની |
ગૌતમ અદાણી | 1.40 લાખ કરોડ | અદાણી ગ્રુપ |
કરસન પટેલ | 33,800 કરોડ | નિરમા |
પંકજ પટેલ | 33,700 કરોડ | ઝાયડસ |
સમીર મહેતા | 21,900 કરોડ | ટોરેન્ટ ફાર્મા |
સુધીર મહેતા | 21,900 કરોડ | ટોરેન્ટ ફાર્મા |
ભદ્રેશ શાહ | 11,600 કરોડ | AIA એન્જિનીયરીંગ |
બિનીશ ચુદગર | 10,600 કરોડ | ઇન્ટાસ ફાર્મા |
નિમિશ ચુદગર | 10,600 કરોડ | ઇન્ટાસ ફાર્મા |
ઉર્મિશ ચુદગર | 10,600 કરોડ | ઇન્ટાસ ફાર્મા |
સંદીપ એન્જિનિયર | 9,500 કરોડ | એસ્ટ્રલ સ્ટેરિટેક |
હસમુખ ચુદગર | 6,900 કરોડ | એસ્ટ્રલ સ્ટેરિટેક |
દર્શન પટેલ | 5,400 કરોડ | વિની કોસ્મેટિક |
અચલ બકેરી | 5,000 કરોડ | સિમ્ફની |
રાજીવ મોદી | 4,800 કરોડ | કેડિલા ફાર્મા |
પ્રકાશ સંઘવી | 3,600 કરોડ | રત્નમણી મેટલ્સ |
ભીખાભાઈ વિરાણી | 3,300 કરોડ | બાલાજી વેફર્સ |
અમિત બક્ષી | 3,000 કરોડ | એરિસ લાઈફસાઈન્સ |
કાનજીભાઇ વિરાણી | 2,800 કરોડ | બાલાજી વેફર્સ |
ચંદુભાઈ વિરાણી | 2,800 કરોડ | બાલાજી વેફર્સ |
અશ્વિન ગાંધી | 2,600 કરોડ | એશિયન પેઈન્ટ્સ |
ગુજરાતના અમીરોની સંપત્તિમાં 52%નો વધારો
રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતના અમીરોની સંપત્તિમાં 3%થી 52% સુધીનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ એક વર્ષમાં રૂ. 45,700 કરોડનો વધારો થયો છે. તેવી જ રીતે પંકજ પટેલની વેલ્થ 52% વધી છે. ટોરેન્ટ ફાર્માના સુધિર અને સમીર મહેતાની સંપત્તિમાં 38%નો વધારો થયો છે.
અમીરોની યાદીમાં 12 નવા લોકોનો સમાવેશ
હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇનના ઇન્ડિયા રિચ લિસ્ટમાં ગુજરાતમાં 12 નવા લોકોનો સમાવેશ થયો છે. આ યાદીમાં એસ્ટ્રલ સ્ટેરિટેક દુષ્યંત પટેલ, કોરોના રેમેડીઝના ક્રિતીકુમાર મહેતા, પારસ ફાર્માના ગિરીશ પટેલ સહિતના નામો છે. આ તમામની કુલ સંપત્તિ રૂ. 15,700 કરોડ જેટલી થાય છે.
ટોપ-10 ભારતીય અમીરોમાં 5 ગુજરાતી
IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ભારતીય અમીરોની જે યાદી બહાર પાડી છે તેમાં ટોપ-10 ભારતીય અમીરોમાં 5 ગુજરાતી છે. આમાં સૌથી ઉપર રિલાયન્સના મુકેશ અંબાણી છે. આ સિવાય આ યાદીમાં ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી પણ છે. ટોપ-10 રિચેસ્ટ ભારતીયોની કુલ સંપત્તિ રૂ. 17.02 લાખ કરોડ છે જેમાંથી 63.65% એટલે કે રૂ. 10.83 લાખ કરોડ ગુજરાતીઓની સંપત્તિ છે.
ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ અમીરો
લિસ્ટ મુજબ ગુજરાતમાં રૂ. 1,000 કરોડથી વધુ વેલ્થ ધરાવતા કુલ 59 લોકો છે. આમાંથી 18 લોકો ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે સંકળાયેલા છે. જ્વેલરી સેક્ટરમાંથી 11 લોકો, ફૂડ અને બેવરેજીસ ક્ષેત્રમાંથી 7 અને કન્સ્ટ્રકશન અને એન્જિનીયરીંગ સેકટરમાંથી 4 લોકો છે.
ક્યાં શહેરમાં કેટલા ધનાઢ્યો રહે છે
- અમદાવાદ- 38
- સુરત-11
- રાજકોટ-7
- વડોદરા-3