• કરણ જોહરની પાર્ટીમાં સામેલ 7 મોટા હીરોની પૂછપરછની તૈયારીમાં NCB
  • દીપિકાએ કહ્યું- હા મેં માલ માગ્યો હતો પણ માલ એટલે ડ્રગ્સ નહીં, સિગારેટ હતી

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સના મામલામાં એનસીબીએ બોલિવૂડના અન્ય સાત મોટા અભિનેતાની પૂછપરછની તૈયારી શરૂ કરી છે. અત્યાર સુધી વિવિધ અભિનેત્રીઓ અને ડ્રગ પેડલરોની પૂછપરછમાં આ અભિનેતાઓનાં નામ બહાર આવ્યાં હોવાનું મનાય છે. આ ઉપરાંત એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહનાં બેન્ક ખાતાંની પણ તપાસ શરૂ કરી છે. એનસીબીના અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ લોકોએ ડ્રગ્સ ખરીદવા કેટલા રૂપિયાની લેવડદેવડ કરી છે. આ અભિનેત્રીઓના ત્રણ વર્ષના ક્રેડિટકાર્ડ પેમેન્ટ પણ ચકાસાઈ રહ્યાં છે. એનસીબીએ એવો દાવો પણ કર્યો છે કે ડ્રગ્સ કેસમાં બોલિવૂડના સાત મોટા અભિનેતા અને કેટલાક પ્રોડ્યુસરની પૂછપરછની મંજૂરી પણ મળી ગઈ છે.

અમે સીબીઆઈ તપાસની આતુરતાથી રાહ જોઈએ છીએ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી
સુશાંતના અપમૃત્યુ કેસની તપાસ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે આ કેસ સીબીઆઈને સોંપ્યાને દોઢ મહિનો થઈ ગયો છે. આ તપાસનો નિષ્કર્ષ શું આવ્યો, તેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્ર પોલીસ આ કેસની યોગ્ય દિશામાં તપાસ કરી જ રહી હતી, પરંતુ આ કેસ અચાનક સીબીઆઈને સોંપી દેવાયો. હવે લોકો જાણવા ઈચ્છે છે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી!

આ કેસમાં અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ: સીબીઆઈ
આ અંગે સીબીઆઈના પ્રવક્તા આર.કે. ગૌરે કહ્યું છે કે, સીબીઆઈ સુશાંત અપમૃત્યુ કેસમાં દરેક એંગલથી તપાસ કરી રહી છે. આજેય આ કેસમાં કોઈ પણ એંગલને સંપૂર્ણ નકારી શકાય એમ નથી. હાલમાં જ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે, અમે થોડા દિવસથી એવું અનુભવતા હતા કે, આ તપાસને કોઈ બીજી જ દિશામાં લઈ જવાઈ રહી છે.

આ મોટા હીરોમાં ક્યાંક આ તો નથીને…

  • શાહીદ કપૂર
  • રણબીર કપૂર
  • વિકી કૌશલ
  • અર્જુન કપૂર
  • અયાન મુખરજી
  • વરુણ ધવન
  • અને મલાઈકા, ઝોયા અખ્તર, દીપિકા પદુકોણ સહિત 22 લોકો હતા.

(આ નામ સૂત્રોના જણાવ્યા પ્રમાણે છે, દિવ્ય ભાસ્કર પુષ્ટિ નથી કરતું)

NCB જેની પૂછપરછ કરવાની છે તેમાં 7 મોટા હીરો અને પ્રોડ્યુસરોના નામ છે. NCBના વડા રાકેશ અસ્થાનાએ તેમની પૂછપરછની મંજૂરી અધિકારીઓને આપી દીધી છે પરંતુ તે નામ કયા છે તેનો ખુલાસો થયો નથી.

લો બોલો, દીપિકા પાદુકોણ સિગારેટને માલ કહે છે
એનસીબીના અધિકારીઓએ દીપિકાને પૂછ્યું કે માલ હૈ ક્યા ત્યારે દીપિકાએ આ સવાલનો જવાબ આપ્યો કે હા મેં પૂછ્યું હતું કે માલ હૈ ક્યા પરંતુ આ એ માલ નથી જે તમે સમજી રહ્યાં છો. તેણે ઉમેર્યું કે તે સિગારેટને માલ કહે છે. સિગારેટનો કોડવર્ડ છે. હૈશ શું છે? દીપિકાએ કહ્યું કે હૈશ અને વીડ ટાઈપ ઓફ સિગરેટને માલ કહીએ છીએ. એટલે કે અલગ-અલગ બ્રાન્ડની સિગારેટ.

Source by [author_name]