• સોનું 700 વધી 52000 બોલાયું, વૈશ્વિક ચાંદી 24 ડોલર નજીક

બૂલિયન માર્કેટમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થયો છે. કોરોના મહામારીનો બીજો રાઉન્ડ શરૂ થતા અને વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાની ગતી મંદ હોવાના કારણે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં હેજફંડ્સ તથા એચએનઆઇ ઇનવેસ્ટર તથા ગોલ્ડ ઇટીએફમાં આક્રમક ખરીદીથી તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી ઉંચકાઇ 1890 ડોલર પહોંચતા અમદાવાદ ખાતે ઝડપી 700 વધી રૂ.52000 અને ચાંદી 1800 ઉછળી 60000ની સપાટી કુદાવી છે.

કોરોના વેક્સીન બજારમાં ન આવે અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી ન થાય ત્યાં સુધી બૂલિયન માર્કેટને પુરતો સપોર્ટ મળી રહે તેવું એનાલિસ્ટોનું કહેવું છે. સલામત રોકાણ તરીકે અત્યારે સોના-ચાંદીને રોકાણકારો શ્રેષ્ઠ માની રહ્યાં છે. જિમ રોજર્સના મતે બજારની વર્તમાન સ્થિતિમાં સોના-ચાંદી રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ સાબીત થશે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. આ ભાવથી ખરીદી કરવી ઉત્તમ સાબીત થશે. કોરોના સેકન્ડ વેવમાં ફરી મંદીનો તબક્કો શરૂ થયો છે જેના કારણે વૈશ્વિક શેરબજારોમાં ફરી ઘટાડાની શક્યતા રહેલી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1890 ડોલર રહ્યું છે જે ઝડપી 1930 ડોલર પહોંચી શકે છે.

અર્થતંત્ર પાટે ન ચડે ત્યાં સુધી સોનામાં મજબૂતી
સેફ-હેવન એસેટ તરીકે સોનાની મજબૂત માંગ આગામી સમયગાળામાં જળવાઇ રહેશે તેવો અંદાજ છે કેમકે જ્યાં સુધી વૈશ્વિક અર્થતંત્ર કોવીડ પૂર્વેની સ્થિતીમાં નહિં આવે ત્યાં સુધી સોનામાં તેજીનો માહોલ રહે તેવું માર્કેટ ડેટા રિફિનિટિવના અહેવાલમાં જણાવ્યું છે. વૈશ્વિક સેન્ટ્રલ બેંકો, COVID-19 રોગચાળાને કારણે થતી આર્થિક મંદીનો સામનો કરવા બહાર આવી છે. જ્વેલરીની માંગ ભારે ફટકો પડશે, આ વર્ષે 40 ટકાથી વધુનો ઘટાડો થવાની આગાહી છે, જ્યારે રિટેલ રોકાણમાં 15 ટકાનો ઉછાળો આવી શકે છે.

Source by [author_name]