• ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સના ખરાબ પ્રદર્શન પર બે પૂર્વ ખેલાડીનું નિવેદન

ચેન્નઈ સુપર કિંગ્સ શુક્રવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ સામે 44 રને હારી ગઈ. આ મેચમાં ટીમના દેખાવથી લાગતું ન હતું કે, ચેન્નઈ ત્રણ વખતની ચેમ્પિયન ટીમ છે. ટીમ ત્રણ મેચમાંથી બે હારી ચૂકી છે.તેના ખરાબ પ્રદર્શન અંગે વીરેન્દ્ર સેહવાગે મહેણું માર્યું કે, તેના ખેલાડીઓને ગ્લુકોઝની જરૂર છે. જ્યારે આકાશ ચોપડાએ કહ્યું કે, ધોની રૈનાને મિસ કરી રહ્યો છે. તેનો વિકલ્પ હજુ સુધી મળ્યો નથી.

ચેન્નઈના બેટ્સમેન ફ્લોપ, તેમને ગ્લુકોઝની જરૂર : વીરુ
સેહવાગે ચેન્નઈની ખરાબ બેટિંગ અંગે કહ્યું કે, ‘તેના બેટ્સમેન ફ્લોપ રહ્યા છે. તેઓ ખૂલીને નથી રમી શકતા અને ઝડપી સ્કોર બનાવી શકતા નથી. તેમને પોતાની ગેમમાં ઈન્ટેન્સિટી માટે ગ્લુકોઝની જરૂર છે. તેમણે હવે પછીની મેચ માટે ગ્લુકોઝ ચઢાવીને આવવું પડશે.’ શુક્રવારે ચેન્નઈનો વોટ્સન(14) અને મુરલી વિજય(10) ફ્લોપ રહ્યા હતા. ટોપ ઓર્ડરના બેટ્સમેન 10 ઓવરમાં 47 રન જ બનાવી શક્યા હતા. પ્લેસિસ(43) સિવાય કોઈ બેટ્સમેન ચાલ્યો નહીં. કેદાર જાધવે 26, ધોનીએ 15 અને જાડેજાએ 12 જ રન બનાવ્યા હતા.

ટોપ ઓર્ડરની નિષ્ફળતા ચિંતાનો વિષય : આકાશ ચોપડા
આકાશ ચોપડાએ કહ્યું, ‘ટોપ ઓર્ડરની નિષ્ફળતા ચિંતાનું સૌથી મોટું કારણ છે. એટલે ચેન્નઈનું બેલેન્સ પણ બગડી ગયું છે. ધોનીને પાંચ બોલર સાથે રમવાનું પસંદ નથી. મેં તેમને પ્રથમ વખત પાંચમા બોલર સાથે રમતા જોયા છે. ધોની હવે રૈનાને મિસ કરી રહ્યો છે. તેનો વિકલ્પ તેમને નથી મળી રહ્યો. જાડેજા પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે. ધોનીના લોઅર ઓર્ડરમાં રમવા આવવાની પણ ટીકા થઈ રહ છે. એ જોવાનું રહેશે કે, ધોની રિતુરાજ ગાયકવાડ અને વિજયને કયા નંબરે બેટિંગ કરાવી શકે છે.’

Source by [author_name]