આઈપીએલ દરમિયાન ડીન જોન્સના નિધનથી બધા નિરાશ છે. તેઓ કોમેન્ટેટર પેનલમાં હતા. મદ્રાસમાં 1986માં ડ્રો ટેસ્ટમાં તેમણે 210 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. મને આ ટેસ્ટ કવર કરવાની તક મળી હતી. જોકે, કોમેટેટર તરીકે તેઓ વધુ શાનદાર હતા. 2007માં ઈન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન તેમની સાથે કામ કરવાની તક મળી હતી. છેલ્લે 2015-16માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બ્રેસ્બનની ડે-નાઈટ ટેસ્ટ દરમિયાન તેમની સાથે મુલાકાત થઈ હતી.

આ દરમિયાન આઈપીએલનો પ્રથમ સપ્તાહ નાટકીય રહ્યો છે. પ્રારંભિક પરિણામ દર્શાવે છે કે, આ સિઝન ઘણી ઉતાર-ચઢાવવાળી રહેશે. ટૂર્નામેન્ટમાં હજુ ઘણી મેચ બાકી છે. આથી, કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ કહેવાશે. છતાં દેશના કેટલાક ખેલાડીઓના સારા અને ખરાબ દેખાવનું વિશ્લેષણ કરી શકાય છે. કેએલ. રાહુલ, સંજુ સેમસન, રોહિત શર્મા અને પૃથ્વી શો શ્રેષ્ઠ બેટ્સમેન રહ્યા છે. રાહુલની સદી સાથે પંજાબને બેંગલુરુ વિરુદ્ધ જીત મળી હતી. પૃથ્વી શો પર સવાલ ઉઠતા રહ્યા છે કે, તે પોતાની વિકેટ ફેંકી દે છે. જોકે, ચેન્નઈ વિરુદ્ધ તેણે સારી બેટિંગ કરી હતી. ચેન્નઈ સામે વહેલા આઉટ થયા પછી રોહિતે કેકેઆર વિરુદ્ધ વન મે શો કર્યો હતો. જોકે, સંજુ સેમસનની 74 રનની ઈનિંગ્સ સૌથી શાનદાર રહી હતી. આ ઈનિંગ્સને કારણે ચેન્નઈ હારી ગઈ. આ ઈનિંગ્સને કરાણે ધોનીના સ્થાને ટીમ ઈન્ડિયામાં વિકેટ કીપર પંતની લાઈનમાં તેને ઊભો કરી દીધો છે.

બોલરોમાં મોહમ્મદ શમીએ ગતિ, સ્વિંગ અને સીમ મૂવમેન્ટથી બેટ્સમેનને હેરાન કર્યા છે. નવદીપ સૈની બેંગલુરુ માટે સારું પ્રદર્શન કરશે તેવી આશા છે. લેગ સ્પિનર અત્યાર સુધી સૌથી આગળ રહ્યા છે. યુજવેન્દ્ર ચહલે લેગ બ્રેક અને ગૂગલીના સારા મિશ્રણ સાથે બેટ્સમેનોને પરેશાન કર્યા છે. રાહુલ તેવટિયાએ રાજસ્થાન માટે સારું કામ કર્યું છે. જોકે, સૌથી પ્રભાવશાળી પંજાબનો 20 વર્ષનો રવિ બિશ્નોઈ રહ્યો છે. તેને કોચ અને મેન્ટર અનિલ કુંબલેનો લાભ મળ્યો છે. હંમેશા ચર્ચામાં રહેનારા કોહલી અને ધોનીએ વિજય સાથે શરૂઆત કરી, પરંતુ હવે બંને બેટ્સમેનની સાથે કેપ્ટનશીપ અંગે પણ દબાણમાં છે.

Source by [author_name]