વિદેશ જતાં વિદ્યાર્થીઓ પણ ખર્ચો કાઢવા માટે ખરીદે છે શેર્સ.
- 2થી 3 લાખ રૂપિયાનો એક શેર એવી અનેક અમેરિકન કંપનીઓમાં રોકાણકારનું આકર્ષણ
- શેરમાં રોકાણ મુદ્દે પણ સવાશેર ગુજરાતીઓનું હવે અમેરિકન શેરબજારોમાં ‘‘લીધા-દીધા’’
- ટોચની ભારતીય કંપનીઓ પછી હવે ગુજરાતીઓ ફેસબુક, એમેઝોન, એપલ, નેટફ્લિક્સ અને ગૂગલના શેર્સમાં લેવાલ
શેરની ખરીદીમાં પણ સવાશેરનું કલેજું ધરાવતાં ગુજરાતીઓ હવે વૈશ્વિક રોકાણકારોનું બિરૂદ ધરાવતા થઇ ગયા છે. દેશની ટોચથી માંડીને ટટપૂંજિટયા કંપનીઓના શેર્સમાં રોકાણ હોય કે સટ્ટો, ગુજરાતીઓની હાજરી હોવાની જ! હવે અમેરીકન શેરબજારોએ પણ વિદેશી રોકાણકારો માટે દ્રાર ખુલ્લાં મૂકતાં ગુજરાતી રોકાણકારો છેલ્લા ત્રણેક વર્ષથી એમેઝોન, ગૂગલ અને ટેસ્લા જેવી વૈશ્વિક બ્રાંડ્સના શેર્સ ખરીદતાં થઇ ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય રોકાણકારોએ ત્રણ લાખ કરોડથી વધુના અમેરિકન શેર્સ ખરીદ્યાં છે જેમાંથી ગુજરાતીઓએ 20-25 ટકા એટલે કે 75000 કરોડથી વધુના શેર્સની ખરીદી કરી છે. જૂન ક્વાર્ટરમાં જ રોકાણકારોએ 50 લાખ ડોલરના શેર્સ ખરીદ કર્યા છે જે ગતવર્ષની તુલનાએ રોકાણમાં બમણી વૃદ્ધિ દર્શાવે છે. હજુ એચએનઆઇ રોકાણકારોએ વધુ સારો પોર્ટફોલિયો બનાવવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ તકો તરફ ધ્યાન આપવાનું શરૂ કરવું જરૂરી છે.
જ્યારે કોઈ રોકાણકાર આંતરરાષ્ટ્રીય બજારો વિશે વિચારે છે, ત્યારે યુ.એસ. બજારોમાં રોકાણ માટે અન્ય દેશો કરતાં વધુ સારું છે. 40 ટ્રિલિયન ડોલરથી વધુની માર્કેટ કેપ સાથે વિશ્વના સૌથી મોટા શેર બજાર છે. યુ.એસ. સ્ટોક માર્કેટમાં સૂચિબદ્ધ ટેક્નોલોજી આધારિત શેરોમાં રોકાણ કરવા માટે ભારતીય રોકાણકારો આગળ આવી રહ્યાં છે. મિલેનિયલ્સ એમેઝોન, ગૂગલ અને ટેસ્લા જેવી વૈશ્વિક બ્રાંડ્સના માલિકી માટે આતુર છે. ભારતીય રિઝર્વ બેન્કની રેમિટેન્સ ગાઇડલાઇન અનુસાર વાર્ષિક ધોરણે પ્રત્યેક ભારતીય 2.5 લાખ ડોલર એટલે સરેરાશ 1.87 કરોડ રૂપિયા સુધીનું વિદેશમાં રોકાણ કરી શકે છે. આમ રોકાણકારો માટે વિકલ્પ ખુલ્યો છે જેનો લાભ લઇ રહ્યાં છે. વિદેશી શેર્સ ખરીદીમાં ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતી કરોડપતિની પસંદ બદલાઇ
- રૂ.3 લાખ કરોડથી વધુના અમેરિકન શેર્સ ત્રણ વર્ષમાં ભારતીઓએ ખરીદ્યા
- 20% હિસ્સો વિદેશી કંપનીઓના શેર્સ ખરીદીમાં ગુજરાતીઓનો
- 40% હિસ્સા સાથે અમેરિકન કંપનીના શેર્સ ખરીદીમાં ટોપ પર મુંબઇ
- 50 લાખ ડોલરનું રોકાણ જૂન ક્વાર્ટરમાં ભારતીય રોકાણકારોએ કર્યું
અમેરિકાના આ શેર્સમાં આકર્ષણ
ભારતીય રોકાણકારોને અમેરિકન ટોપ-10 કંપનીઓ જેવી કે ટેસ્લા, ફેસબુક, એમેઝોન, એપલ, નેટફ્લિક્સ, માઇક્રોસોફ્ટ, સોપિફાઇ, એનવિડિયા, સ્કવેર, બક્સેહાથ-વે અને ગૂગલ રોકાણ માટે હોટ ફેવરિટ સાબીત થઇ રહી છે. ઉપરોક્ત મોટા ભાગની કંપનીઓએ છેલ્લા ત્રણ માસમાં સરેરાશ 30 ટકાથી બમણું રિટર્ન રોકાણકારોને પૂરૂ પાડ્યું છે.
અમેરિકાના ટોપ-10 શેર
કંપની | 26-મે | 26-ઓગસ્ટ | તફાવત |
એમેઝોન | 2438 | 3346.49 | 37.30% |
એપલ | 320 | 499.3 | 56.00% |
માઇક્રોસોફ્ટ | 183.06 | 216.47 | 18.30% |
ટેસ્લા | 822 | 2023.31 | 146.10% |
શોપીફાઇ | 781.5 | 1037.19 | 32.70% |
ફેસબુક | 235 | 280 | 19.10% |
નેટફ્લિક્સ | 416 | 490.5 | 17.90% |
ગૂગલ | 1438 | 1605 | 11.60% |
એનવિડિયા | 352 | 510 | 44.90% |
સ્કવેર | 81.34 | 155 | 90.60% |
ભારતીય રોકાણકાર કેટલા શેર ખરીદી શકે ?
ભારતીય રિઝર્વ બેન્કની રેમિટેન્સ ગાઇડલાઇન અનુસાર વાર્ષિક ધોરણે પ્રત્યેક ભારતીય 2.5 લાખ ડોલર એટલે સરેરાશ 1.87 કરોડ રૂપિયા સુધીનું વિદેશમાં રોકાણ કરી શકે છે.
અમેરિકન કંપનીઓની નેટવર્થ ભારતીય અર્થતંત્ર જેટલી
ભારતનું અર્થતંત્ર 2.5 લાખ કરોડ ડોલર સામે અમેરિકાનું અર્થતંત્ર 40 લાખ કરોડ ડોલરથી વધારે છે. અમેરિકાની ટોપ-10 કંપનીઓની નેટવર્થ ભારતીય કુલ અર્થતંત્ર જેટલી છે. અમેરિકન કંપનીઓના શેરમાં 45 ટકાથી વધુ અન્ય દેશોના રોકાણકારોનો હિસ્સો રહેલો છે. જ્યારે ભારતીય રોકાણકારોનો હિસ્સો માત્ર 3-5 ટકા જ રહ્યો છે. અમેરિકન કંપનીઓના શેરમાં આકર્ષક રિટર્નને ધ્યાનમાં લેતા ભારતીય રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો છે.
શેર ભલે મોંઘા હોય પરંતુ એક ડોલરમાં હિસ્સો ખરીદી શકો છો
વેસ્ટેડ ફાઇનાન્સના ફાઉન્ડર વિરમ શાહના જણાવ્યા અનુસાર અમેરિકાની ટોપ-10 કંપનીના એક શેરની કિંમત સરેરાશ એક લાખ રૂપિયાથી વધુ છે જેના કારણે ભારતીય રોકાણકારો ખચવાટ અનુભવી રહ્યાં છે પરંતુ અમેરિકા ફ્રેક્શનલ ઇન્વેસ્ટમેન્ટ (કટકે-કટકે) શેર ખરીદવાની મંજૂરી આપે છે. આમ ભલે કોઇ પણ શેરની કિંમત લાખોમાં હોય પરંતુ રોકાણકાર એક ડોલરમાં પણ શેરનો અમુક હિસ્સો ખરીદી શકે છે.
ભારતીય રોકાણકારોમાં વિદેશી શેર્સ ખરીદીમાં આકર્ષક વૃદ્ધિ
ટોરીન વેલ્થ ગ્રૂપના જિગ્નેશ માધવાણીએ જણાવ્યું કે, દેશની ટોચની કંપનીઓ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી અમેરિકન કંપનીઓના શેર્સની ખરીદીમાં ઉત્સાહ દાખવ્યો છે. છેલ્લા ત્રણેક વર્ષથી અમેરિકન કંપનીના શેર્સમાં ગુજરાતીઓની ખરીદી સતત વધી રહી છે. ભારતીય અર્થતંત્ર ધરાવતી અનેક કંપનીઓ અમેરિકામાં ઉપસ્થિત છે જેના કારણે સલામત રોકાણ અને આકર્ષક રિટર્નથી રોકાણમાટે આકર્ષણ વધી રહ્યું છે.
વિદેશ જતાં વિદ્યાર્થીઓ પણ ખર્ચો કાઢવા માટે ખરીદે છે શેર્સ!
ગુજરાતમાંથી મોટા પાયે અમેરિકામાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ જઇ રહ્યાં છે અને ત્યાં સ્થાયી થવા લાગ્યા છે. ઉદ્યોગપતિઓ તેમજ ધનિકવર્ગના લોકો પોતાના બાળકોને અભ્યાસ માટે મોકલે છે ત્યારે તેઓ પહેલેથી જ ડોલર સ્વરૂપમાં રોકાણ કરવા નિર્દેશ કરે છે અને બચત અર્થે અમેકિન કંપનીના શેર્સ ખરીદવા પ્રેરી રહ્યાં છે.