પંજાબ યૂથ કોંગ્રેસના કાર્યકરોએ સોમવારે દિલ્હીમાં ટ્રેક્ટર સળગાવીને પ્રદર્શન કર્યું હતું. મોદી કહે છે કે ખેડૂતો ખેતીથી જોડાયેલાં સાધનોની પૂજા કરે છે.

ખેડૂતોને લગતા નવા કાયદા પર વિપક્ષના વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિરોધીઓ મશીન અને સાધનો સળગાવી ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે, કારણ કે ખેડૂતો ખેતી સાથે સંકળાયેલાં સાધનોની પૂજા કરે છે. મોદીનું આ નિવેદન એટલા માટે આવ્યું, કારણ કે પંજાબ યૂથ કોંગ્રેસના કાર્યકરોએ સોમવારે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે એક ટ્રેક્ટર સળગાવીને પ્રદર્શન કર્યું હતું.

નમામી ગંગે મિશન અંતર્ગત ઉત્તરાખંડના 6 મેગા પ્રોજેક્ટ્સ લોંચ કરવાના કાર્યક્રમમાં વડાપ્રધાન બોલી રહ્યા હતા. કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે “તેઓ વર્ષોથી કહેતા રહ્યા કે તેઓ લઘુતમ ટેકાના ભાવ (MSP) લાગુ કરશે, પરંતુ એમ કર્યું નહીં, જ્યારે અમારી સરકારે સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ MSP લાગુ કર્યું. હવે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમનો કાળી કમાણી કરવાનો બીજો રસ્તો બંધ થઈ ગયો છે. ”

‘વિરોધીઓ વચેટિયાઓને લાભ થાય એવું ઇચ્છે છે’
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ગત સપ્તાહે પૂરા થયેલા સંસદ સત્રમાં ખેડૂતો, મજૂરો અને આરોગ્યને લગતા ઘણા સુધારા કરવામાં આવ્યા હતા. હવે ખેડૂતો પોતાનો પાક ક્યાંય પણ અને કોઈને પણ વેચી શકે છે. જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક આપી રહી છે ત્યારે કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. આવા લોકો ઈચ્છતા નથી કે ખેડૂતો ખુલ્લા બજારમાં તેમનાં ઉત્પાદનો વેચવા માટે સક્ષમ બને, પરંતુ તેઓ વચેટિયાઓ પણ નફો કરતા રહે એવું ઇચ્છે છે. આ રીતે તેઓ ખેડૂતોની આઝાદીનો વિરોધ કરી રહ્યા છે.

‘વિપક્ષે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગીને પોતાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો’
“આ લોકોએ ઘણાં વર્ષોથી આપણાં સુરક્ષાદળોને મજબૂત બનાવવા માટે કંઈ કર્યું નથી. એરફોર્સ રાફેલની માગ કરતું રહ્યું, પરંતુ ક્યારેય સાંભળ્યું નહીં. જ્યારે અમારી સરકારે ફ્રાન્સ સાથે રાફેલ ડીલ પર સહી કરી તો ત્યારે તેમને મુશ્કેલી થવા લાગી. ચાર વર્ષ પહેલાં આજના જ દિવસે આપણા બહાદુર સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરતી વખતે આતંકવાદીઓનાં ઠેકાણાંનો નાશ કર્યો હતો, પરંતુ વિપક્ષ પુરાવા માગી રહ્યું હતું. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરીને દેશ સામે પોતાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો.

Source by [author_name]