• પઠાણકોટમાં 19 ઓગસ્ટે રૈનાના પરિવાર પર હુમલો થયો હતો, ઘટનામાં તેના અંકલ અને તેમના પુત્રનું અવસાન થયું, ફૈબા હજીપણ હોસ્પિટલમાં છે
  • રૈનાએ પંજાબ સરકારને કહ્યું હતું, આ ઘટનાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડી દેવા જોઈએ નહીં
  • ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓ પર થયેલા હુમલા અને હત્યાના મામલે ગુનેગારોની આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસ સોલ્વ થઈ ગયો છે.

ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે, જેઓ 19 ઓગસ્ટની રાત્રે પઠાણકોટ જિલ્લાના ગામ થરિયલમાં રૈનાના પરિવાર પર થયેલા હુમલામાં સામેલ હતા.

રૈનાના અંકલ અશોક કુમાએનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જ્યારે તેમનો પુત્ર કુશલ કુમારની હાલત નાજુક હતી. કુશલે 31 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધો હતો. અશોકના પત્ની આશા રાની હજી પણ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થનાર લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઘટના પછી CM અમરિન્દર સિંહે સ્પેશિયલ ઇવેસ્ટીગેશન ટીમ (SIT)ને આ મામલે સંપૂર્ણ તપાસ કરીને કેસ સોલ્વ કરવા કહ્યું હતું.

રૈનાએ ન્યાય માગ્યો હતો

રૈનાએ 1 સપ્ટેમ્બરના રોજ ટ્વીટમાં લખ્યું હતું કે, “પંજાબમાં મારા પરિવાર સાથે જે બન્યું તે ખૂબ જ ભયાનક છે. મારા અંકલની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આ હુમલામાં મારા ફૈબા (પિતાની બહેન) અને તેમના બે દીકરાઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. સોમવારે રાત્રે એક ભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે મારા ફૈબા હાલત ખૂબ ગંભીર છે અને તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.” તેણે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ટ્વીટ કરીને ન્યાયની માગ કરી હતી.

વ્યક્તિગત કારણોસર IPLમાંથી નામ પાછું ખેંચ્યું

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)એ અચાનક ટ્વીટ કરીને રૈના IPLમાં નહિ રમે તે અંગે જાણકારી આપી હતી. CSKના CEO કાશી વિશ્વનાથે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, “રૈના વ્યક્તિગત કારણોસર ભારત પાછો ફર્યો છે અને આ સીઝનમાં ઉપલબ્ધ નહિ હોય. CSK રૈના અને તેની ફેમિલીને પૂરેપૂરો સપોર્ટ કરે છે.”

Source by [author_name]