- સપ્ટેમ્બર મહિનામાં રિલાયન્સ રિટેલે કુલ રૂ 16,725 કરોડ રોકાણ મેળવ્યું
વિશ્વની અગ્રણી ગ્રોથ ઇક્વિટી ફર્મ જનરલ એટ્લાન્ટિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ આર્મ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)માં રૂ.3675 કરોડનું મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણ થકી રિલાયન્સ રિટેલનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય રૂ. 4.285 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. જનરલ એટ્લાન્ટિક આ રોકાણ દ્વારા RRVLમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર 0.84%નો હિસ્સો મેળવશે. આ વર્ષના પ્રારંભે જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 6598.38 કરોડનું મૂડીરોકાણ કર્યા બાદ જનરલ એટ્લાન્ટિક દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં કરાયેલું આ બીજું રોકાણ છે.
ત્રણ રોકાણકારોએ રૂ. 16,725 કરોડ રોકાણ કર્યું
સપ્ટેમ્બર મહિના દરમિયાન રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં ત્રણ રોકાણકારોએ કુલ રૂ. 16,725 કરોડનું રોકાણ આવ્યું છે. સૌથી પહેલા 9 સપ્ટેમ્બરે સિલ્વર લેકે રૂ. 7,500 કરોડ રોકાણ કર્યું હતું. ત્યાર બાદ 23 સપ્ટેમ્બરે KKR દ્વારા રૂ. 5,550 કરોડ ઇન્વેસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે 30 સપ્ટેમ્બરે જનરલ એટ્લાન્ટિકે રૂ. 3675 કરોડ રોકાણ કરશે તેવી જાહેરાત કરી છે. આ ત્રણેય રોકાણકારોએ જિયો પ્લેટફોર્મ્સમાં પણ રોકાણ કરેલું છે.
જનરલ એટ્લાન્ટિકની ટેક્નોલોજીનો લાભ મળશે: મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે વેપારીઓ અને ગ્રાહકો બંનેનું એકસમાન સશક્તિકરણ કરવા અને અંતે ભારતીય રિટેલ ક્ષેત્રને પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છીએ ત્યારે જનરલ એટ્લાન્ટિકની ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં અને કન્ઝ્યુમર બિઝનેસીસમાં બહોળો અનુભવ અને ભારતમાં મૂડીરોકાણ કરવાના બે દાયકાના અનુભવોનો લાભ લેવા માટે અમે ઉત્સાહિત છીએ.
રિલાયન્સના ન્યૂ કોમર્સ વિઝનને અમારો ટેકો: બિલ ફોર્ડ
જનરલ એટ્લાન્ટિકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બિલ ફોર્ડે કહ્યું હતું કે, દેશના રિટેલ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન લાવવાના મુકેશ અંબાણીના ન્યૂ કોમર્સ વિઝનને ટેકો આપવા જનરલ એટ્લાન્ટિક ઉત્તેજિત છે, આ વિઝન જિયો પ્લેટફોર્મ્સ દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવાના તેમના વિઝન સાથે ખભે ખભા મિલાવી રહ્યું છે. પરિવર્તનશીલ વિકાસને વેગ આપવા માટે ટેક્નોલોજીની તાકાતનો ઉપયોગ કરવાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મૂળભૂત માન્યતા સાથે જનરલ એટ્લાન્ટિક સંમત છે.
રિટેલ ઇકોસિસ્ટમને નવું સ્વરૂપ આપવા પ્રયત્નશીલ: ઈશા અંબાણી
રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતના તમામ ગ્રાહકો અને વેપારીઓના લાભાર્થે ભારતીય રિટેલ ઇકોસિસ્ટમને નવું સ્વરૂપ આપવા અને તેનો વિકાસ સાધવા અમે સતત પ્રયત્નશીલ છે. વર્ષોથી વિશ્વની અગ્રણી કન્ઝ્યુમર અને રિટેલ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે કામ કરનાર જનરલ એટ્લાન્ટિક પાસે રિટેલ ક્ષેત્રના વિકાસનો બહોળો અનુભવ છે અને અમે અમારી સફરમાં વિકાસ સાધી રહ્યા છીએ ત્યારે અમને તેનો લાભ મળશે તેવી અપેક્ષા છે.