સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ શુક્રવારે એક્ટ્રેસ રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી છે. રિપોર્ટ્સ મુજબ રિયા ચક્રવર્તીએ તપાસ એજન્સી સામે તેનું નામ લીધું હતું ત્યારબાદ તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

પૂછપરછ દરમ્યાન, રકુલે રિયા સાથેની તેની ડ્રગ્સ રિલેટેડ વાતચીત વિશે જણાવ્યું. તેણે NCB ના અધિકારીઓને કહ્યું કે તે ચેટમાં જે ‘ડૂબ’નો ઉલ્લેખ હતો તે રોલ્ડ સિગરેટ હોય છે, કોઈ નાર્કોટિક્સ પદાર્થ કે ડ્રગ્સ નહીં.

સમન્સ મળવાની વાતને નકારતી રહી
આ પહેલાં ગુરુવારે સવાર સુધી રકુલ કહી રહી હતી કે તેને NCB તરફથી કોઈ સમન્સ મળ્યું ન હતું. જોકે, પછી NCBએ જણાવ્યું કે રકુલે સમન્સ મળ્યું હોવાની વાત માની લીધી છે. તેણે પોતાનું એડ્રેસ પણ અપડેટ કરાવી દીધું છે. અગાઉ NCBએ કહ્યું હતું કે, એક્ટ્રેસનો સંપર્ક સાધવા માટે ઘણા પ્લેટફોર્મ્સ મારફતે ટ્રાય કરવામાં આવી પરંતુ વાત થઇ ન શકી. તેમને ફોન પણ કર્યો હતો પરંતુ રિસ્પોન્સ ન મળ્યો.

સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું
રકુલે 18 વર્ષની ઉંમરમાં કોલેજ દરમ્યાન જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ 2009માં તેણે કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું. ત્યારબાદ સાઉથ ફિલ્મોમાં કરિયર બનાવ્યા પછી હૈદરાબાદ શિફ્ટ થઇ ગઈ હતી. તેણે તેલુગુ ફિલ્મોમાં ‘કેરતમ’ અને તમિળ ફિલ્મોમાં ‘ઠદાઈયારા થાક્કા’થી ડેબ્યુ કર્યું. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કરીને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ.

બોલિવૂડમાં શરૂઆત ફ્લોપ રહી
સાઉથમાં નામ કમાયા પછી રકુલે 2014માં બોલિવૂડમાં એન્ટ્રી લીધી. ફિલ્મ ‘યારિયાં’થી ડેબ્યુ કર્યું જે ફ્લોપ રહી. તેના ચાર વર્ષ પછી તે ‘અય્યારી’માં જોવા મળી હતી. 2019માં તે ‘દે દે પ્યાર દે’ અને ‘મરજાવાં’માં સામેલ હતી. ત્યારબાદ આ વર્ષે તેની ફિલ્મ ‘શિમલા મિર્ચ’ રિલીઝ થઇ હતી જે એકદમ ફ્લોપ સાબિત થઇ હતી.

Source by [author_name]