• ‘મહાભારત’ના અન્ય કલાકારો સાથે મને પણ બોલાવવામાં આવ્યો હતો પરંતુ હું ના ગયો’

‘ધ કપિલ શર્મા શો’ના હાલના એપિસોડમાં બી આર ચોપરાના શો ‘મહાભારત’ના લીડ એક્ટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જોકે, આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશિયલ મીડિયામાં સતત આ સવાલ પૂછવામાં આવતો હતો. મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત તથા ઢંગધડા વગરનો કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી.

મુકેશ ખન્નાએ શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શૅર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી.

ખન્નાએ ટ્વીટમાં કહ્યું હતું, ‘આ પ્રશ્ન વાઈરલ થઈ ગયો છે કે ‘મહાભારત’ શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે ‘મહાભારત’ ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે કે આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.’

બીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે ‘રામાયણ’ બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.’

ત્રીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘ભલે કપિલનો શો આખા દેશમાં લોકપ્રિય હોય, પરંતુ મને આનાથી વધારે બકવાસ કોઈ શો લાગતો નથી. ઢંગધડા વગરનો છે, ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતા છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. હલકી હરકતો કરે છે અને લોકો પેટ પકડીને હસે છે.’

ચોથી ટ્વીટમાં કહ્યું હતું, ‘આ શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ હસવાનું છે. હસવું આવે કે ના આવે પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે. પહેલા આ માટે સિદ્ધુભાઈ બેસતા હતા. હવે અર્ચના બહેન બેસે છે. કામ? માત્ર હાહાહા કરવાનું.’

પાંચમી ટ્વીટમાં લખ્યું હતું, ‘એક ઉદાહરણ આપીશ, તમે સમજી જશો કે કોમેડીનું સ્તર કેટલું બકવાસ છે. તમે બધાએ આ જોયું હશે. ‘રામાયણ’ વાળો શો હતો. કપિલે અરૂણ ગોવિલને પૂછ્યું હતું કે તમે બીચ પર છો અને એક વ્યક્તિ બૂમ પાડીને કહે છે… અરે દેખો રામજી પણ VIP અંડરવિયર પહેરે છે. તમે શું કહેશો?

છેલ્લી ટ્વીટમાં કહ્યું હતું, ‘મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ, જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું કહ્યું હતું? હું હોત તો કપિલનો મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો.’

‘ધ કપિલ શર્મા શો’માં આ કલાકારો આવ્યા હતા
શોમાં નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ફિરોઝ ખાન (અર્જુન), પુનીત ઈસ્સર (દુર્યોધન) તથા ગુફી પેન્ટલ (શકુની) આવ્યા હતા.

Source by [author_name]