ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, પહેલા ક્વાર્ટરના આધારે કંઇ કહી ના શકાય. માત્ર ત્રણ મહિનાના જ આંકડા છે.
- કેન્દ્ર સરકારના DPIITના રિપોર્ટમાં ખુલાસો, છેલ્લા 9 મહિનામાં 22000 કરોડનું વિદેશી રોકાણ
- 2018-19માં 12618 કરોડ FDI સામે 2019-20માં રૂપિયા 42976 કરોડ વિદેશી રોકાણ હતું
- દેશના એવરેજ એફડીઆઇ ગ્રોથથી 20 ગણું એફડીઆઇ ગુજરાતમાં આવ્યું, બીજા ક્રમે કર્ણાટક
કોરોના મહામારીના સંકટના કારણે ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ ઘટ્યું છે. એપ્રિલથી જૂન મહિના સુધીના લૉકડાઉનના સમયમાં ગુજરાતમાં રૂપિયા 3055 કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. દેશમાં ગુજરાત સાતમા સ્થાને છે.
વર્ષ 2020-21ના પહેલા ત્રણ મહિનાના આંકડાઓ મુજબ, કર્ણાટકમાં રૂ. 10255 કરોડ, મહારાષ્ટ્રમાં રૂ. 8859 કરોડ, દિલ્હીમાં રૂ. 7237 કરોડ, ઝારખંડમાં રૂ. 5985 કરોડ, તેલંગાણામાં રૂ. 4180 કરોડ, તમિલનાડુમાં રૂ. 3377 કરોડ વિદેશી મૂડીરોકાણ થયું છે. 2019-20ના એક જ વર્ષમાં રાજ્યમાં 42976 કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ(DPIIT)ના તાજેતરના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે.
FDI ઇક્વિટી ઇનફ્લૉના આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2019થી જૂન 2020 સુધીના સમયગાળામાં દેશના કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો ફાળો 10 ટકા છે અને ચોથો નંબર છે. મહારાષ્ટ્રનો ફાળો 28 ટકા, કર્ણાટકનો 19 ટકા, દિલ્હીનો ફાળો 16 ટકા છે.
2019-20માં રોકાણ સાડા ત્રણગણું થયું
2018-19માં ગુજરાતમાં 12618 કરોડનું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું જે 2019-20માં વધીને રૂપિયા 42976 કરોડ થયું હતું. વર્ષ 2019-20ના આંકડાઓ જાહેર થયા ત્યારે ગુજરાત સરકારે દાવો કર્યો છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બાબતે ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. દેશના એવરેજ એફડીઆઇ ગ્રોથથી 20 ગણું એફડીઆઇ ગુજરાતમાં આવ્યું છે. ભારતના બીજા ક્રમના કર્ણાટક કરતાં આઠ ગણું એફડીઆઇ ગુજરાતે મેળવ્યું છે. દેશમાં થયેલા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમમાં 51 ટકા ફાળો ગુજરાતનો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2019 સુધી 262 વિદેશી કંપનીઓના ઓપરેશન ગુજરાતમાં શરૂ થયાં છે.
આ 5 રાજ્યોમાં સૌથી વધુ વિદેશી રોકાણ
રાજ્ય | એપ્રિલથી જૂન 2020-21 | એપ્રિલથી માર્ચ 2019-20 |
મહારાષ્ટ્ર | 8859 | 77389 |
કર્ણાટક | 10255 | 63177 |
દિલ્હી | 7237 | 78461 |
ગુજરાત | 3055 | 42976 |
તમિલનાડુ | 3377 | 16624 |
આર્સેલર મિત્તલ, નાયરા જેવી કંપનીઓ રૂપિયા 1.4 લાખ કરોડનું રોકાણ કરશે
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, પહેલા ક્વાર્ટરના આધારે કંઇ કહી ના શકાય. માત્ર ત્રણ મહિનાના જ આંકડા છે. વિદેશી રોકાણ બાબતે અમારો ધ્યેય બહુ જ ઉંચો છે. ઘણુંબધું રોકાણ આવી રહ્યું છે. આર્સેલર મિત્તલ અને નાયરા જેવી કંપનીઓના પ્રોજેકક્ટ્સ એક્સપાન્શનમાં 1.4 લાખ કરોડનું રોકાણ થશે. ગત વર્ષે 240 ટકા ગ્રોથ મળ્યો હતો. કોવિડની સ્થિતિ છતાં અમે એ જ સ્પીડ જાળવી રાખીશું.