સંજય બાંગરે કહ્યું મારું માનવું છે કે, ભારતીય કોચોએ પણ વિચાર કરવાની જરૂર છે, તેમણે પોતાનામાં ક્યાં સુધારો કરવાની જરૂર છે, જેથી તેમને મોટી જવાબદારી મળે.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ માત્ર એક જ વખત આઈપીએલ ફાઈનલ સુધી પહોંચી છે, જ્યારે 2014માં તેના મુખ્ય કોચ સંજય બાંગર હતા. બાંગરને ત્યાર પછી તરત જ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ બનાવાયા અને તેઓ 5 વર્ષ સુધી કોહલીની ટીમ સાથે રહ્યા. બાંગરે અમારી સાથે આઈપીએલ અને કોચિંગ સાથે જોડાયેલા અનેક મુદ્દા પર વાતચીત કરી. આ વાતચીતના મુખ્ય અંશ…

સવાલ: તાજેતરમાં જ અનિલ કુંબલેએ કહ્યું કે, તેમને એ બાબતે આશ્ચર્ય છે કે, અસંખ્ય ઘરેલુ કોચ આઈપીએલની ટીમોમાં નથી. તમારો શો મત છે?
સંજય બાંગર: રમતમાં દરેક પ્રકારના પદ સાથે જોડાઈને મહત્ત્વનું યોગદાન આપવાને કારણે કુંબલેની વાતોમાં ઘણું વજન રહે છે. મારું માનવું છે કે, કોઈ યોગ્ય કોચની દાવેદારી માત્ર એ માન્યતા માટે નજરઅંદાજ ન કરી શકાય કે એક ભારતીય સારી રીતે આ કામ નહીં કરી શકે.

સવાલ: આઈપીએલમાં સહાયક કોચ તો ભારતીય છે. પરંતુ મુખ્ય કોચ બની શકતા નથી. શા માટે?
સંજય બાંગર:
કોઈ ખાસ કારણ સમજાતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તો ટીમ ઈન્ડિયાનો કોચિંગ સેટઅપ સંપૂર્ણપણે ભારતીય છે અને ટીમે સારું પ્રદર્શન પણ કર્યું છે. જોકે મારું માનવું છે કે, ભારતીય કોચોએ પણ વિચાર કરવાની જરૂર છે, તેમણે પોતાનામાં ક્યાં સુધારો કરવાની જરૂર છે, જેથી તેમને મોટી જવાબદારી મળે.

સવાલ: કોચ બનવા માટે તમારે ભૂતકાળમાં એક મોટો ખેલાડી હોવું વધુ જરૂરી છે કે, કોચ તરીકે તમારી જુની સિદ્ધિઓ?
સંજય બાંગર:
ઈન્ટરનેશનલ ક્રિકેટના શાનદાર ખેલાડી માટે તો એન્ટ્રી સરળ હોય છે. બીજો વિકલ્પ ટ્રેવર બેલિસ (હૈદરાબાદના વર્તમાન કોચ) જેવાનો પણ છે, જેમણે પોતાની મહેનતથી આટલી લાંબી સફર કરી છે. આઈપીએલમાં બંને પ્રકારના કોચ મળશે. જોકે, ઓક્શન ટેબલ દરમિયાન રણનીતિ અને મેન મેનેજમેન્ટ ઘણું મહત્ત્વ ધરાવે છે.

સવાલ: શું કોઈ એક ખાસ કોચે તમને પ્રભાવિત કર્યા? આ વખતે મનપસંદ ટીમ કઈ છે?
સંજય બાંગર:
ટીમ મૂડીએ હૈદરાબાદ માટે અલગ અંદાજમાં શાનદાર કામ કર્યું છે. તેમના કામનું હું ઘણું સન્માન કરું છું. આ વખતે દિલ્હી કેપિટલ્સ ઘણી સંતુલિત ટીમ છે.

સવાલ: તમે 2014માં પંજાબને ફાઈનલ સુધી લઈ ગયા હતા. તમને લાગે છે કે, કુંબલે આ બાબતે તમારાથી એક ડગલું આગળ જઈ શકે છે?
સંજય બાંગર:
કુંબલે ભારતના મોટા મેચ વિનર્સમાંથી એક રહ્યા છે. જે પ્રકારના અનુભવ તમારી પાસે છે, જે રણનીતિ તેમની પાસે છે, જો પંજાબને સારી શરૂઆત મળે છે તો ચોક્કસપણે તે એક ડગલું આગલ જઈ શકે છે.

સવાલ: ભારતીય ટીમ અને આઈપીએલના કોચિંગમાં કેવા પ્રકારનો ફરક હોય છે?
સંજય બાંગર:
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તમારી પાસે એટલો સમય હોય છે કે, તમે ખેલાડીઓની મજબુતી અને નબળાઈને ઓળખી શકો છો અને તેને સુધારવા કામ કરી શકો છો. આઈપીએલમાં દરેક ખેલાડી પર કામ કરી શકાતું નથી.

Source by [author_name]