બોલિવૂડના કલાકારોના ડ્રગ્સ કનેકશન કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના રડાર પર આવેલી દીપિકા પદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની શનિવારે કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણેયે ડ્રગ્સ ચેટ્સ કરી હોવાનું કબૂલ કર્યું હતું, પરંતુ ડ્રગ્સ લેતી નથી એવો દાવો કર્યો હતો. દીપિકાની એનસીબીના ગેસ્ટ હાઉસમાં સાડાપાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સારા અલી ખાનની અંદાજે પાંચ કલાક અને શ્રદ્ધા કપૂરની છ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે, જયારે શ્રદ્ધા- સારાએ ડ્રગ્સ લેવાનો ઈનકાર કર્યો હતો.

એનસીબીની દિલ્હીથી આવેલી 5 સભ્યની ટીમમાં ડેપ્યુટી ડાયરેકટર કેપીએસ મલ્હોત્રા, તપાસ અધિકારી સુનિલ કુમાર અને ઈન્ટેલિજન્સ અધિકારી નીરજ કુમારીની ટીમે દીપિકા અને તેની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશની એનસીબીના ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી હતી. દીપિકા સવારે 9.48 વાગ્યે તપાસ ટીમ સમક્ષ હાજર થઇ ગઇ હતી અને 3.50 વાગ્યે દીપિકા એનસીસીબી ગેસ્ટ હાઉસથી પૂછપરછ પૂર્ણ થતાં નીકળી ગઈ હતી. મોડી રાત્રે દીપિકા, સારા, શ્રદ્ધા, રકુલ, કરિશ્મા, જયા શાહ, સિમોન ખંભાતાના ફોન ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરાયા હતા. સારા પાસે 2017-18માં વાપરેલો ફોન પણ માંગવામાં આવ્યો છે.

બેલાર્ડ સ્થિત એનસીબી ઓફિમાં બીજી એક ટીમમાં મુંબઇ વિભાગના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે અને એક મહિલા અધિકારીની ટીમે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરી હતી. સારા અલી બપોરે 12.59 મિનિટે આવી હતી અને તે સાંજે 5 વાગ્યે બહાર આવી હતી, જયારે શ્રદ્ધા કપૂર બપોરે 11.47 મિનિટે તપાસ અધિકારી સમક્ષ હાજર થઇ હતી અને તેની પૂછપરછ સાંજે 6 વાગ્યે પૂરી થઈ હતી. દરમિયાન બંનેએ ડ્રગ્સ ચેટની કબૂલાત કરી છે, પરંતુ તેઓ ડ્રગ્સ લેતી નહોતી એવો દાવો કર્યો છે.

NCBના અધિકારીએ કહ્યું- કોર્ટમાં નિવેદન રજૂ કરાશે
એનસીબીના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રના ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું કે, શનિવારે કરિશ્મા પ્રકાશ, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરનાં નિવેદનો નોંધાયાં છે. ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. હજુ સુધી કોઈને ફરીથી પૂછપરછ માટે બોલાવાયા નથી. આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, હજી સુધી અમને આ તપાસ દરમિયાન શું મળ્યું એ વિશે અમે કોર્ટમાં માહિતી રજૂ કરીશું અને ત્યાર બાદ આગળની કાર્યવાહી વિચારવામાં આવશે. શનિવારે કોઈને સમન્સ જારી કરાયા નથી.

દીપિકાએ ડ્રગ્સ, હશીશ, ગાંજા પર ચૂપકિદી સેવી
દીપિકાએ પતિ રણવીર સાથે લીગલ ટીમ સાથે સવાલ-જવાબની પ્રેક્ટિસ કરી હતી. સૂત્રોએ કહ્યું હતું કે દીપિકા જ્યારે એનસીબીની ટીમ સમક્ષ બેઠી ત્યારે ઘણી ગભરાયેલી હતી. બ્લેક કોફી પીધા પછી દીપિકાએ તેની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથેની વોટ્સએપ પર થયેલી ડ્રગ્સ ચેટની વાત કબૂલ કરી લીધી હતી. આ ઉપરાંત ખાસ પ્રકારની સિગારેટ પીવાની વાત સ્વીકારી હતું. તેણે કહ્યું કે તેનું આખું ગ્રૂપ તેનો ઉપયોગ કરે છે. આ સિગારેટમાં ડ્રગ્સ હોય છે કે કેમ તે અંગે તેણે મૌન સેવ્યું હતું. ત્યારપછી ચેટમાં વપરાયેલા વીડ, હશીશ જેવા શબ્દ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેણે કશું પણ જણાવવાનો ઇનકાર કરી દીધો હતો.

ડ્રગ્સ કેસમાં આ રીતે દીપિકા, સારા, શ્રદ્ધાનાં નામ આવ્યાં

  • દીપિકા પદુકોણ : વોટ્સએપના એક ગ્રૂપ ચેટમાં દીપિકા, તેની મેનેજર અને સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા વચ્ચે 28 ઓક્ટોબર 2017ના રોજ ડ્રગ્સ અંગે વાત થઈ હતી. તેમાં દીપિકાએ હેશ અને વીડ જેવા શબ્દો વાપર્યા હતા. આ ગ્રૂપની એડમીન પણ દીપિકા હતી. તેણે પૂછ્યું હતું કે માલ હૈ ક્યા?
  • સારા અલી ખાન : રિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેદારનાથ ફિલ્મ પછી સારા સુશાંતની નજીક હતી અને સુશાંતની ડ્રગ્સ પાર્ટીમાં સામેલ થઈ હતી.
  • શ્રદ્ધા કપૂર : જયા શાહ અને શ્રદ્ધા વચ્ચેની ચેટમાં શ્રદ્ધા સીબીડી ઓઇલની માંગ કરે છે. ડ્રગ પેડેલર કરમજીતે શ્રદ્ધાના ઘરે ડ્રગ્સ પહોંચાડવાની વાત કબૂલી છે.

કરણ જોહરના પ્રોડક્શનના પ્રોડ્યુસર ક્ષિતિજની ધરપકડ
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત ડ્રગ્સ મામલે શનિવારે એનસીબીએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ રવિપ્રસાદની ધરપકડ કરી હતી. ક્ષિતિજની એક દિવસ પહેલાં જ પૂછપરછ થઈ હતી. તેની પાસેથી ગાંજો પણ ઝડપાયો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં એનસીબી રિયા, તેના ભાઈ શોવિક, સુશાંતના સ્ટાફ દીપેશ સાવંત, સુશાંતના ભૂતપૂર્વ મેનેજર શ્રૃતિ મોદી, સેમ્યુઅલ મિરાન્ડા, ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના સીઈઓ ધ્રુવ ચિટગોપેકર, પ્રોડ્યુસર મધુ વર્મા સહિત 19ની ધરપકડ કરી ચૂકી છે. આ કેસમાં 4 અભિનેત્રીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

Source by [author_name]