અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતની રહેવાસી શમસિયા હઝારા સમુદાયની છે.

  • અફઘાનિસ્તાનમાં શમસિયા અલીજાદા 2 લાખ વિદ્યાર્થી વચ્ચે ટોપ કરનારી પહેલી યુવા સ્ટુડન્ટ
  • શમસિયા કહે છે- મારી સફળતા પર માતા હસ્યાં હતાં, છેલ્લાં કેટલાંક વર્ષોથી મેં તેમને હસતાં જોયાં ન હતાં, આ મારા માટે મોટી વાત છે

 કાબુલની 18 વર્ષની શમસિયા અલીજાદાએ અફઘાનિસ્તાનમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તેણે બે લાખ વિદ્યાર્થીની વચ્ચે ગુરુવારે જાહેર થયેલી નેશનલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષામાં સૌથી વધુ માર્કસ સાથે ટોપ કર્યું છે. આ સફળતા મેળવીને તેને સૌથી નાની ઉંમરની વિદ્યાર્થિની બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. શમસિયાને આ જાણકારી તેની માતાએ આપી હતી.

શમસિયા કહે છે, “મેં માતાને ઘણાં વર્ષોથી હસતાં જોયાં ન હતાં. તેમનું આ હસવાનું મારે માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે હું મક્કમ હતી કે મારે કોઈપણ પરિસ્થિતિમાં યુનિવર્સિટીમાં ભણવું છે. માતા ઇચ્છતાં ન હતાં કે હું આગળ ભણવા માટે બહાર નીકળું અને જોખમ ઉઠાવું. હું જે કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરવા માટે જતી હતી ત્યાં 2018માં તાલીબાનની આત્મઘાતી ટુકડીએ હુમલો કર્યો હતો. ત્યારે સેન્ટરના હોલમાં 200 જેટલા લોકો અભ્યાસ કરી રહ્યા હતા.” “આ હુમલામાં અડધાથી વધુ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં મેં ઘણા મિત્રો ગુમાવ્યા. આ તે જ સેન્ટર હતું જ્યાં અમે સાથે મળીને એક સ્વપ્ન જોયું હતું કે સારું શિક્ષણ મેળવીને ગરીબી અને જુલમ સામે લડીશું. એક જ ક્ષણમાં બધું નાશ પામ્યું. તે સમયે અમે ગણિતના સમીકરણ સાથે સફેદ બોર્ડ પર લાગેલા લોહીના ડાઘ સિવાય બીજું કશું જોઈ કે સાંભળી શક્યાં ન હતાં. હું હજી પણ હિંમત હારી નથી. આગળ અભ્યાસ ચાલુ રાખ્યો અને પરિણામ સામે છે.”

1990માં તાલીબાને કન્યા શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો
અફઘાનિસ્તાનમાં શમસિયા ભાવનાત્મક રીતે પ્રખ્યાત સેલિબ્રિટી બની ગઈ હોય, તેમ છતાં તેની સિદ્ધિ સરકારને છોકરીઓને શિક્ષિત કરવાના અધિકારની યાદ અપાવે છે. અહીં સરકાર તાલીબાન સાથે શાંતિ માટેની વાતચીતમાં વ્યસ્ત છે. તાલીબાન સાથેની અથડામણમાં દરરોજ ઘણા યુવાનો માર્યા જાય છે.

1990માં તાલીબાન શાસન દરમિયાન અહીં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે અફઘાનિસ્તાનમાં શિક્ષણની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. અહીંનો સ્ત્રી સાક્ષરતાદર માત્ર 24.2% છે. 90 લાખ વિદ્યાર્થીઓમાં આશરે 40% છોકરીઓ છે.

હઝારા સમુદાય તાલીબાનના નિશાના પર છે
અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતની રહેવાસી શમસિયા હઝારા સમુદાયની છે. પિતા કોલસાની ખાણમાં કામ કરે છે. તેમનો પાંચ સભ્યોનો પરિવાર વધુ સારા શિક્ષણ માટે કાબુલ આવીને વસ્યો હતો. અભ્યાસ સાથે માર્શલ આર્ટની તાલીમ લઈ રહેલી શમસિયા કહે છે કે મને આશા છે કે બંને પક્ષ પોતાનું વચન પૂરું કરશે. હવે અહીં કોઈ મારશે નહીં. મને વિશ્વાસ છે કે તાલીબાન અફઘાન મહિલાઓને તેમનાં સપનાં પૂરાં કરવાની તક આપશે. તાલીબાન હઝારા સમુદાયના લોકોને નિશાન બનાવે છે, કારણ કે તેઓ શિયા છે, જ્યારે તાલીબાન સુન્ની અને પશ્તુન છે.

Source by [author_name]