• અંબાણી પછી તાતા ફંડ એકત્ર કરવા અનેક રોકાણકારો સાથે ચર્ચા કરે છે

રિટેલ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે તાતા જૂથ રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીનો માર્ગ અપનાવ્યો છે. મીઠાથી માંડી સોફ્ટવેર સુધીનો બિઝનેસ ધરાવતા તાતા જૂથ સુપર એપ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. જેમાં અમેરિકી હોલસેલ કંપની વોલમાર્ટ રૂ. 1.8 લાખ કરોડનુ રોકાણ કરી મોટો હિસ્સો ખરીદી શકે છે. તાતા જૂથ અનેક સંભવિત રોકાણકારો સાથે આ સુપર એપ્લિકેશન માટે નાણાં એકત્ર કરવા માટે ચર્ચા કરી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તાતા સુપર એપમાં હિસ્સો આપવા વોલમાર્ટ ઇન્ક સાથે વાતચીત કરી રહ્યુ છે. વોલમાર્ટ 1.4 થી 1.8 લાખ કરોડ રૂપિયા રોકાણ કરી શકે છે. જો તાતા ગ્રુપ અને વોલમાર્ટ ઇંક. વચ્ચે ભાગીદારી થઈ તો તે દેશના રિટેલ ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હશે. નોંધપાત્ર વાત એ છે કે વોલમાર્ટે મે, 2018માં ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં 66 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદો લગભગ 1.18 લાખ કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો હતો. સમાચાર મુજબ ભાગીદારી બાદ તાતા જૂથ અને વોલમાર્ટ સંયુક્ત રીતે સુપર એપને સંયુક્ત સાહસ હેઠળ લોન્ચ કરી શકે છે.

તાતા જૂથ અને ફ્લિપકાર્ટના ઇ-કોમર્સ બિઝનેસ વચ્ચેના સંબંધોમાં ફાયદો થશે. આ ભાગીદારી દ્વારા તાતા અને ફ્લિપકાર્ટના તમામ ઉત્પાદનો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. અન્ય સ્રોત મુજબ, વોલમાર્ટના સોદા માટે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ગોલ્ડમેન સાસની નિમણૂક કરી છે. સુપર એપની વેલ્યુએશન આશરે 50 થી 60 અબજ ડોલર એટલે કે 4.42 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે.

તાતા જૂથ અન્ય સંભવિત રોકાણકારો સાથે સુપર એપમાં તેનો હિસ્સો વેચવા માટે પણ ચર્ચા કરી રહ્યો છે. તેમાં અનેક વૈશ્વિક ટેક કંપનીઓનો પણ સમાવેશ છે.

ડિસેમ્બર સુધી સુપર એપ લોન્ચ થશે
તાતા ગ્રુપની આ સુપર એપ ડિસેમ્બર સુધી લોન્ચ થઈ શકે છે. દેશમાં વધતા ઈ-કોમર્સ બિઝનેસને ધ્યાનમાં લેતાં કંપનીએ આ નિર્ણય કર્યો છે. એપ પર ખાણી-પીણીના સામાન ઉપરાંત ફેશન, લાઈફસ્ટાઈલ, અને બિલ પેમેન્ટની પણ સુવિધા મળશે. તદુપરાંત તાતા જૂથના ઈ-કોમર્સ વેપાર તાતા ક્લિક, સ્ટાર ક્વિક, ક્રોમાની પ્રોડક્ટ્સ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

આટલી મોટી ડીલની શક્યતા કેટલી
યસ સિક્યોરિટીઝના લીડ એનાલિસ્ટ હિમાંશુ નૈયરે કહ્યું- ઓફલાઇન રિટેલમાં તાતાની મજબૂત પકડ છે. કંપની પાસે તનિષ્ક, ટાઇટન, વેસ્ટસાઇડ અને ક્રોમા જેવી સફળ રિટેલ ચેઈન છે. વોલમાર્ટને આનો ફાયદો થઈ શકે છે. વોલમાર્ટ મોટી વ્યૂહરચનાના ભાગ રૂપે અહીં એક બ્રાન્ડ સાથે હાથ મિલાવી રહ્યું છે. જે સોદો સફળ રહેવાના સંકેતો આપે છે.

Source by [author_name]