
કોરોના સંક્રમણના કેસમાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા 15 કરોડ રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. આમાંથી 5 કરોડ ટેસ્ટ કિટ વધુ જોખમ ધરાવતા લોકો, વૃદ્ધો માટે બનાવવામાં આવેલાં નર્સિંગ હોમ્સ અને એજન્સીઓને આપવામાં આવશે. લેબમાં ટેસ્ટ કરવાને બદલે એબટ ટેસ્ટ કિટ સસ્તી પડે છે અને આમાં 15 મિનિટમાં પરિણામ મળી જાય છે. અમેરિકામાં મોટે ભાગે નર્સિંગ હોમ્સમાં આ ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે.
જ્યારે વિશ્વમાં અત્યારસુધીમાં 3 કરોડ 35 લાખ 49 હજાર 873 લોકોને સંક્રમણ લાગ્યું છે. 10 લાખ 6 હજાર 379 લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે સારી વાત એ છે કે અત્યારસુધીમાં 2 કરોડ 48 લાખ 78 હજાર 124 લોકો સાજા થયા છે.
આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ
દેશ | સંક્રમણ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 73,61,611 | 2,09,808 | 46,09,636 |
ભારત | 61,45,291 | 96,351 | 51,01,397 |
બ્રાઝિલ | 47,48,327 | 1,42,161 | 40,84,182 |
રશિયા | 11,59,573 | 20,385 | 9,45,920 |
પેરૂ | 8,08,714 | 32,324 | 6,70,989 |
સ્પેન | 7,48,266 | 31,411 | ઉપલબ્ધ નથી |
મેક્સિકો | 7,33,714 | 76,603 | 5,27,278 |
આર્જેંટીના | 7,23,132 | 16,113 | 5,76,715 |
સાઉથ આફ્રિકા | 6,71,669 | 16,586 | 6,04,478 |
ફ્રાન્સ | 5,42,639 | 31,808 | 95,426 |
દક્ષિણ કોરિયા: સોશિયલ ડિસ્ટન્સનું સખત પાલન
દક્ષિણ કોરિયામાં સોમવારે 39 નવા કેસ સામે આવ્યા હતા. જોકે કેસોમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ હોવા છતાં સરકારે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સનું કડક રીતે પાલન કરવામાં આવે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, લાખો લોકો રજાઓ દરમિયાન ફરવા જવાનો પ્લાન બનાવી ચૂક્યા છે. આનાથી મહામારી ફેલાવાનો ખતરો વધી શકે છે. દેશમાં 23 હજાર 699 કેસ છે, જ્યારે 407 લોકોનાં મોત થયાં છે.

રાજધાની સિયોલમાં લોકો કોરોનાના નિયમોનું સખત રીતે પાલન કરી રહ્યા છે.
કોલંબિયા: સિલેક્ટિવ ક્વોરન્ટીન સમયગાળો વધારવામાં આવ્યો
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાએ ઓક્ટોબર માટે સિલેક્ટિવ ક્વોરન્ટીનનો સમયગાળો વધાર્યો છે. રાષ્ટ્રપતિ ઇવાન ડ્યુકે સોમવારે રાત્રે રાષ્ટ્રજોગ સંદેશમાં આ જાહેરાત કરી. તેમણે લોકોને મોટી સંખ્યામાં એકઠા ન થવા અપીલ પણ કરી હતી. કોલંબિયાએ માર્ચમાં 5 મહિનાના લોકડાઉનની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બરમાં સિલેક્ટિવ ક્વોરન્ટીન ફેઝ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રેસ્ટોરાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી હતી. દેશમાં 8.18 લાખ કેસ છે, જ્યારે 25 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

કોલંબિયાના કૈલીમાં શૈક્ષણિક સંસ્થાઓ ખૂલી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગાઇડલાઇન્સનું ધ્યાન રાખી રહ્યા છે.