2016માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાલનજીને પદ્મભૂષણથી સન્માની રહ્યા છે.

  • તાતા સન્સથી અલગ થઈ પોતાનો 18.37 હિસ્સો વેચી રહ્યા છે.
  • શેરની કુલ કિંમત 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

શાપૂરજી પાલનજી ગ્રૂપ સંસ્થાપક : પાલનજી શાપૂરજી મિસ્ત્રી એમિરેટ્સ ચેરમેન : પાલનજી શાપૂરજી

દેશના બે સૌથી જૂના ઔદ્યોગિક ગૃહોની 84 વર્ષ જૂની દોસ્તી હવે ખતમ થઈ રહી છે. તાતા સન્સ અને શાપૂરજી પાલનજી ગ્રૂપ હવે સંપૂર્ણ રીતે અલગ થઈ રહ્યા છે. શાપૂરજી પાલનજી ગ્રૂપની કંપની ઉપર 30 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તેને ચૂકવવા શાપૂરજી પાલનજી ગ્રૂપ તાતા સન્સની પોતાની હિસ્સેદારી વેચવા માંગે છે. આ મામલો ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં હતો. તાતા સન્સને ડર હતો કે જો એસપીજી ખોટા હાથમાં એ હિસ્સો વેચી દેશે તો મુશ્કેલી થશે.

સુપ્રીમકોર્ટે તાતા સન્સના શેર ગિરવે મૂકવા પર 28 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ મંગળવારે એસપીજીએ પોતાના હિસ્સાના 18.37 ટકા શેર વેચવાનું નક્કી કર્યું. અનુમાન મુજબ તેની કિંમત 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા થવા જાય છે. તાતા સન્સમાં તાતા ટ્રસ્ટની હિસ્સેદારી 66 ટકા છે. તાતા કંપનીઓની 14 ટકા અને બાકી અન્યોની હિસ્સેદારી છે. તાતાને મિસ્ત્રી પરિવાર વચ્ચે દોસ્તીમાં તિરાડ ઓક્ટોબર – 2016માં પડી. તાતા સન્સના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને હટાવાયા ત્યારથી વિવાદ શરૂ થયો.

70 હજાર લોકો કામ કરે છે: 10 કંપની, 70 દેશમાં વેપાર
શાપૂરજી પાલનજી ગ્રૂપની જવાબદારી સાયરસના મોટા ભાઈ શાપુર સંભાળે છે. શાપુર ચેરમેન છે. તો 91 વર્ષીય પાલનજી ગ્રૂપમાં એમિરેટ્સ ચેરમેન છે. જૂથની દુનિયાભરમાં 18 કંપની છે. તેઓ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વૉટર, એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસ એમ છ ક્ષેત્રે કાર્યરત છે. કંપની 70 દેશોમાં 70 હજારથી વધુ કર્મચારીઓ ધરાવે છે.

1865માં શરૂ થઈ કંપની: આરબીઆઈ બિલ્ડિંગ મહેલ બનાવ્યા
એસપીજીનો પાયો 1865માં પાલનજી મિસ્ત્રીએ નાંખ્યો હતો. લોકો તેમને કોન્ટ્રાક્ટર કહેતા હતા. તેમણે લિટિલવૂડ પાલનજી એન્ડ કંપની બનાવી. ત્યારબાદ પાલનજીએ યુવાન શાપૂરજી (સાયરસના દાદા)ને કામની જવાબદારી આપી. શાપૂરજીએ ભાગીદારી તોડી શઆપુરજી પાલનજી કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી. આ કંપનીએ તાતા ગ્રૂપની અનેક ઈમારતોનું બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત બોમ્બે સેન્ટ્રલ ટ્રેન ટર્મિનસ, આરબીઆઈ બિલ્ડિંગ, તાતા-જમશેદ ભાભા થિયેટર, તાજમહેલ ટાવર, ધ ટ્રાઈડન્ટ બનાવ્યું. શાપૂરજી પછી તેમના પુત્ર પાલનજીએ વિદેશમાં કામ વધાર્યું. તેમણે ઓમાનમાં સુલતાન પેલેસ અને ઘાનામાં પ્રેસિડેન્ટ પેલેસ બનાવ્યા.

ઘોડાનો શોખ, પૂણેમાં ફાર્મ: લાઈમલાઈટથી પરિવાર દૂર
પાલનજીએ આયરલેન્ડની પેટસી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે આઈરિશ નાગરિકત્વ મેળવ્યું હતું. જોકે તેઓ પોતાનો મોટાભાગનો સમય ભારતમાં વીતાવે છે. સાયરસ પાસે પણ આયરિશ નાગરિકત્વ છે. પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે. પાલનજી અને શાપુરને ઘોડેસવારીનો શોખ છે. પૂણેમાં તેમનું એક સ્ટડ ફાર્મ છે.

હિસ્સેદારીની ત્રણ કથા
સમયની સાથે વધતા ગયા શાપૂરજી પાલનજી ગ્રૂપના શેર

એસપીજીના તાતા સન્સમાં હિસ્સા અંગે ત્રણ અલગ-અલગ કથા છે. એક ઈન્ટરવ્યૂમાં એચડીએફસીના ચેરમેન દીપક પારેખે કહ્યું હતું કે 1930ની આસપાસ પાલનજીના પિતા શાપૂરજી (સાયરસના દાદા)ને જેઆરડી તાતાએ તાતા સ્ટીલની ફેક્ટરી બનાવવાનો ઓર્ડર આપ્યો. પરંતુ તેમની પાસે તે સમયે પૈસા નહોતા. આથી તેના બદલામાં તાતા સન્સના 12.5 ટકા શેર મળ્યા. બીજી કથાનુસાર જેઆરડીની બહેને 1960-70ની વચ્ચે તાતા સન્સની પોતાની હિસ્સેદારી એસપીજીને વેચી અને ત્રીજી કથાનુસાર 1920ના દાયકામાં ફ્રેમરોઝ એદલજી દિનશા મુંબઈમાં જાણીતું નામ હતું. તે સમયે દિનશા પાસે જેઆરડી રોકાણના હેતુથી ગયા. ધનાઢ્ય વકીલ દિનશાએ બે કરોડ રૂપિયા તાતાને આપ્યા અને તેના બદલામાં 12.5 ટકા હિસ્સેદારી લીધી. 1936માં દિનશાના મૃત્યુ પછી શાપૂરજીએ દિનશા પરિવાર પાસેથી આ શેર ખરીદી લીધા અને 1996માં તાતા જૂથના રાઈટ્સ ઈસ્યૂ દ્વારા એસપીજીનો હિસ્સો વધીને 18.37 ટકા થઈ ગયો. આ કથા વધુ પ્રચલિત છે.

Source by [author_name]