સરહદ પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત વધારે શક્તિશાળી બનવા માટે પગલા ભરી રહ્યું છે. આ કડીના ભાગરૂપે ભારતે આજે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. DRDOએ બુધવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તે આ મિસાઈલનું અપગ્રેડેડ વર્ઝનનું પરીક્ષણ હતું, જેની મારક ક્ષમતા વધારીને 400 કિમી કરવામાં આવી છે.

DRDO તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંસ્થાના PJ-10 પ્રોજેક્ટ અંતર્ગત આ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. આજે આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં કરવામાં આવ્યુ હતું. જે ભારતની સૈન્ય ક્ષમતાને વધારે મજબૂત કરશે. આ મિસાઈલમાં ઉપયોગમાં લેવામાં આવેલી એરફ્રેમ અને બૂસ્ટરનું દેશમાં જ નિર્માણ કરવામાં આવેલુ છે. બ્રહ્મોસના અપગ્રેડેડ વર્ઝનને ભારતના DRDO અને રશિયાના NPOM સાથે મળી તૈયાર કરવામાં આવ્યુ છે. આ મિસાઈલ વોરશિપ, સબમરીન, ફાઈટર જેટ તથા જમીન પરથી પ્રહાર કરી શકાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને DRDOને આ સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ પ્રથમ એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે જે વર્તમાન સમયમાં સામેલ છે. વર્ષ 2005માં INS રાજપૂત પર ભારતીય નૌકાદળે તેનો સમાવેશ કર્યો હતો. હવે ભવિષ્યમાં તમામ વોરશિપમાં નવા અપગ્રેડશનની સુવિધા સાથે તેનો સમાવેશ કરવામાં આવશે.આ અગાઉ ભારતીય સેના દ્વારા પણ બ્રહ્મોસ મિસાઈલને તેની ત્રણ રેજીમેન્ટમાં સામેલ કરવામાં આવી છે. એટલે કે સેના દુશ્મનોને જવાબ આપવા સંપૂર્ણપણે સજ્જ છે.

Source by [author_name]