સોના-ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. અમદાવાદ ખાતે ચાંદી 700 વધી રૂ.61000ની સપાટી કુદાવી 61200 ક્વોટ થઇ રહી છે. જ્યારે સોનું બે તરફી રેન્જમાં સતત અથડાઇ 52100 બોલાતું હતું. અમેરિકામાં ચૂંટણીને હવે એક માસનો સમય બાકી રહ્યો છે ત્યારે વૈશ્વિક બજારોમાં મોટી ચહલ-પહલ જોવા મળી શકે છે. સોના-ચાંદીમાં હવેના એક મહીનાના અનિશ્ચિતતાના દોરમાં સેફ હેવન બાઇંગ કદાચ પાછુ ફરે. અમેરિકામાં કોરોના રિલિફ સેકેન્ડ પેકેજ માટે વાટાઘાટો ચાલુ છે. જો 2 ટ્રિલિયનનું સ્ટિમ્યુલસ આવે તો બજારમાં વધારાની લિકવિડિટી આવે તેના પરિણામે સોના-ચાંદીની તેજીને વેગ મળી શકે છે. જો કે આવનારા એક બે સપ્તાહ ટ્રમ્પનો કોરોના જ માર્કેટ મુવિંગ ફેકટર રહેશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આગામી ટુંકાગાળામાં 1950 ડોલરની સપાટી કુદાવી 1970 અને ત્યારબાદ ફરી 2000 ડોલરની સપાટી પહોંચશે તેવા સંકેતો છે. જ્યારે ચાંદીમાં બે તરફી રેન્જ છે. ચાંદી 24.70-25.30 કુદાવે પછી જ 27 ડોલર સુધી પહોંચી શકે છે. માર્કેટની તેજી-મંદીનો મુખ્ય આધાર ડોલર ઇન્ડેક્સ, સ્ટીમ્યુલસ પેકેજ, ટ્રમ્પ કોરોના અને ચૂંટણી પર નિર્ભર રહેશે. હેજફંજોનો ઇનફ્લો કેવો રહે છે તેના પર તેજી જોવાશે.

નવરાત્રી-દિવાળી તહેવારોની માંગ પર નજર
જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ચાલુ વર્ષ અત્યંત નબળું રહ્યું છે જોકે, સારા વરસાદ અને ખેતીની આવક ઉપરાંત નવરાત્રી-દિવાળીના તહેવારોમાં ડિમાન્ડ કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. જો સોના-ચાંદીમાં તેજી લંબાશે તો જ્વેલરીના વેચાણને અસર પડી શકે છે. મોટા ભાગના જ્વેલર્સ દ્વારા વેપારને વેગ આપવા આકર્ષક સ્કીમની યોજના ઘડી કાઢી છે.

Source by [author_name]