• દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ અને સંપૂર્ણ સુવિધાયુક્ત આયોજન
 • આચાર સંહિતા લાગતા પહેલા થઈ શકે છે ભૂમિપૂજન

દેશના દિવ્યાંગ ખેલાડીઓ માટે એક નવો માર્ગ ખુલવા જઈ રહ્યો છે. મધ્યપ્રદેશ સરકારે દેશના પ્રથમ ‘દિવ્યાંગ ખેલ કેન્દ્ર’ (સ્ટેડિયમ) માટે ગ્વાલિયરના ટ્રિપલ આઈટીએમ સામે 22 હેક્ટર જમીન ફાળવી દીધી છે. કેબિનેટ બેઠકમાં જમીન આપવા માટે મંજુરી આપી દેવાઈ છે. આ દેશનું પ્રથમ રમતગમતનું સ્ટેડિયમ હશે, જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માત્ર રમતોનું હુનર જ નહીં શીખે, પરંતુ અભ્યાસ પણ કરી શકશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેના નિર્માણ પાછળ રૂ.170 કરોડનો ખર્ચ કરશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્ટેડિયમમાં રમતના મેદાનની સાથે ખેલાડીઓના રોકાવા માટે હોસ્ટેલની વ્યવસ્થા રહેશે. તેમને શિક્ષણની સાથે સ્પેશિયલ ટ્રેનિંગ પણ વિભાગની દેખરેખમાં અપાશે. સ્ટેડિયમમાં પ્રતિભાશાળી દિવ્યાંગ ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરાશે. આ ઉપરાંત, હવે શહેરમાં પણ પેરાલમ્પિક જેવા મોટા આયોજનના રસ્તા ખુલશે. અહીં દેશભરના દિવ્યાંગ બાળકોને તેમની લાયકાત અને મેરિટના આધારે પ્રવેશ અપાશે. વિધાનસભા પેટાચૂંટણી માટે લાગુ થનારી આચારસંહિતા પહેલા આ સ્ટેડિયમના નિર્માણકાર્યનું ભૂમિપૂજન થઈ શકે છે. તેનું ડ્રોઈંગ અને ડિઝાઈન તૈયાર થઈ ચુકી છે.

વિવિધ કોચની ભરતી થશે, રોજગારની તકો વધશે
આ સ્ટેડિયમ બની ગયા પછી અલગ-અલગ રમતોના વિવિધ કોચની ભરતી કરાશે. જેના કારણે રમતના ક્ષેત્રમાં રોજગારની તકો વધશે. જે લોકો સ્પેશિયલ ડિગ્રી સાથે કોઈ સ્પોર્ટ્સમાં નિષ્ણાત છે, તેમને અહીં નોકરી કરવાની તક મળશે. સ્થાનિક સ્તરની પ્રતિભાઓને પ્રેક્ટિકલ તરીકે પણ રમતની નવી વિદ્યાઓ અને ટેક્નીકને શીખવાની તક મળશે.

સ્ટેડિયમની આ વિશેષતાઓ

 • આઉટડોર એથલેટિક્સ સ્ટેડિયમ
 • ઈનડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેકેસ
 • બેઝમેન્ટ પાર્કિંગ સુવિધા
 • બે સ્વિમિંગ પુલ
 • એક કવર અને એક આઉટડોર
 • ક્લાસરૂમ સાથે હાઈ પરફોર્મન્સ સેન્ટર
 • એથલીટ્સ માટે હોસ્ટેલ
 • સ્પોર્ટ્સ એકેડેમિક અને રિસર્ચ
 • ચિકિત્સા સુવિધા
 • વહિવટી બ્લોક

ગ્વાલિયર માટે મોટી સોગાત, 2 વર્ષમાં બનીને તૈયાર થશે
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત સંચાલક રાજીવ સિંહે જણાવ્યું કે, દિવ્યાંગ સ્ટેડિયમ માટે સીપીડબલ્યુડીએ ટેન્ડર પ્રક્રિયા પુરી કરી લીધી છે. હવે રાજ્ય સરકારે જમીન પણ ફાળવી દીધી છે. ટૂંક સમયમાં જ ભૂમિપૂજન થઈ શકે છે. ત્યાર પછી બે વર્ષમાં આ સ્ટેડિયમ તૈયાર થઈ જશે. ગ્વાલિયર અને રાજ્ય માટે આ મોટી સોગાત છે.

Source by [author_name]