પેટીએમના ફાઉન્ડર-સીઇઓ વિજય શેખર શર્મા

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ એપ પેટીએમ 19 સપ્ટેમ્બરે એ સમયે ચર્ચામાં આવી હતી જ્યારે ગૂગલે પ્લેસ્ટોર પરથી તેને હટાવી હતી. જોકે 30 કરોડથી વધુ યુઝર અને 70 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન રોજ કરતી આ એપની અમુક જ કલાકમાં પ્લેસ્ટોર પર વાપસી થઈ હતી. દિવ્ય ભાસ્કરે પેટીએમના ફાઉન્ડર-સીઈઓ વિજય શેખર શર્મા સાથે વાતચીત કરી હતી…

સવાલ: તમને લાગે છે કે તમારી એપને ગૂગલ દ્વારા વિશેષ રૂપે ટાર્ગેટ કરાઈ હતી?
વિજય શેખર શર્મા:
મને તો એ સમજાતું નથી કે કઈ પોલિસી હેઠળ તેમને એવું લાગ્યું કે યુપીઆઈ કેશબેક આપવાનો અમારો જે પ્રોગ્રામ છે એ ગેમ્બલિંગ છે. ગેમ્બલિંગ બતાવી ફાઈનાન્શિયલ એપની વિશ્વસનીયતા ઘટાડી દીધી. અમારા પર લાગેલા આરોપો ખોટા અને જુઠ્ઠા છે. તમે(ગૂગલ) ક્લેમ કરો છો કે ચાર-પાંચ વખતની વાત છે. જોકે સવારે કૉલ કર્યો કે તમારો મેલ જુઓ- અમે કંઈક કરી દીધું છે, આ રીતે તો અમને જણાવાયું. અમને એ વાતની કોઈ વોર્નિંગ અપાઈ જ નથી કે અમે એપ હટાવી રહ્યા છીએ. આ દુર્ભાગ્યપૂર્ણ, દુર્ભાવનાવશ, બિઝનેસ પર અટેક કહી શકાય.

સવાલ: ગૂગલની શું દુર્ભાવના હોઈ શકે છે?
વિજય શેખર શર્મા:
સૌથી મોટી વાત એ છે કે તેમની એપમાં પણ આ બધી વસ્તુઓ ચાલતી હોય છે. તેમણે જે મેલ કર્યો તેમાં તેમણે અમને લખ્યું કે તમે જે ચુકવણી કરી રહ્યા છો તેના બદલામાં સ્ટિકર મળે છે. હવે જુઓ કે પેમેન્ટ એપ છે તો પેમેન્ટ નહીં કરે તો શું કરશે? આ કઈ રીતે જુગાર ગણી શકાય? એવું નથી કે અમે તેની હાલમાં જ શરૂઆત કરી છે કે નવું છે. અમે કેશબેક આપતા રહીએ છીએ. અમે પણ ગૂગલ પેની જેમ સ્ટિકર આપ્યાં છે.

સવાલ: આવું ડી-લિસ્ટિંગ એવી કંપનીઓને કેવી રીતે પ્રભાવિત કરે છે જેનો વ્યવસાય એપ પર જ ચાલે છે?
વિજય શેખર શર્મા:
અમે દરરોજ લાખો ગ્રાહકોને જોડીએ છીએ, એપથી હટતા નવા કસ્ટમર આવવા બંધ થઈ ગયા. અમારા ઘણા ગ્રાહકો ભ્રમિત થઈ ગયા. કોઈએ અફવા ફેલાવી દીધી કે અમારી એપ કાઢી નખાઈ છે અને પૈસા કાઢી લો. તેનાથી સમસ્યા વધુ વકરી ગઈ. જે કંપનીઓ પોતાનો બિઝનેસ મોડલ એપ પર ચલાવે છે તેમણે એ સમજી લેવું જોઈએ કે તમે તમારો વ્યવસાય ભારતના નિયમના હિસાબે કરી રહ્યા છો તો તેમની નજરે આ પર્યાપ્ત નથી.

સવાલ: શું એ અસર હજુ પણ યથાવત્ છે?
વિજય શેખર શર્મા:
ડિજિટલ ભારતના શાસનની ચાવી દેશની અંદર નથી, કેલિફોર્નિયામાં છે. અમે 20 હજાર કરોડ રૂપિયાનું દેશના ડિજિટલ ઈન્ડિયામાં રોકાણ કર્યું છે. ગૂગલ પે અમારા પછી દેશમાં પ્રવેશ્યું. ગૂગલ પે એ ઓપોર્ચ્યુનિટી પર આવ્યું, જે ભારતમાં અમારી એપે બનાવી. હવે અમારી એપને સમાપ્ત કરવાની રીત શોધી રહ્યા છે. આ અમારી એપનો જ મામલો નથી પણ ભારતની ડિજિટલ આઝાદીનો પણ સવાલ છે.

સવાલ: તમારી એપ અન્ય તમામ એપથી અલગ કેવી રીતે છે, કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
વિજય શેખર શર્મા:
અમારી એપની શરૂઆત થઈ હતી કે તમે તમારા વોલેટમાંથી પેમેન્ટ કરી શકો, જેમ કે વીજના બિલ, મોબાઈલ ફોન અને અન્ય પેમેન્ટસ. અમારી એપ એક ફાઈનાન્સિયલ ઈન્ક્લુજનની સેવા છે, જે લોકો પાસે બેન્ક સેવા નથી, તેમના માટે અમે એક પેમેન્ટનો વિકલ્પ લઈ આવ્યા અને અમે ઝીરો કોસ્ટ અમાઉન્ટ ધરાવતાં બેન્ક અકાઉન્ટ શરૂ કર્યાં. અમે વેબ સોલ્યુશન, ઈન્શ્યોરન્સ, લોન વગેરેની સુવિધા આપીએ છીએ. વોલેટ સિસ્ટમ એડ કરી બેન્કમાં મૂડી હોય તો એ ટ્રાન્સફર કરી શકો છો, જેનાથી તેમનો વિશ્વાસ જળવાઈ રહે. વોલેટ સિસ્ટમ અન્ય કોઈ એપ પાસે નથી.

સવાલ: ગૂગલ પાસે એક પેમેન્ટ એપ પણ છે. શું તમને લાગે છે કે એ પોતાની સેવાઓને પ્રોત્સાહન આપવા માટે તમારી સાથે ભેદભાવ કરતી હોય?
વિજય શેખર શર્મા:
હા, એવું જ છે. અમારા જે હરીફ છે, એ અમારી વિરૂદ્ધ પોતાના સુપર પાવર સાથે રમી રહ્યા છે. ભારતમાં એપનો બિઝનેસ ધરાવતી કંપનીઓએ અવશ્ય સમજી લેવું જોઈએ કે, જ્યારે તેમનો બિઝનેસ મોટું સ્વરૂપ ધારણ કરશે ત્યારે તે ગૂગલ વગેરે ટેક્નો જોઈન્ટ કંપનીઓને અવશ્ય પરેશાન કરશે. મારું માનવું છે કે આપણી સરકાર એવી સરકાર છે કે જે તેને બચાવી શકે છે, કારણ કે, તેમણે ડિજિટલને કોર એજન્ડા બનાવ્યો છે. વડાપ્રધાન ફેસબુકના હેડક્વાર્ટર પણ જઈ આવ્યા છે. તેમણે ક્યારેય ઝીરો રેટિંગને મંજૂરી આપી નથી. મને વિશ્વાસ છે કે દેશમાં જે એપ ઈકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે તેની ચાવી બહાર જવા દેશે નહીં.

સવાલ: ગૂગલ મોટે પાયે કાલ્પનિક રમતોને પ્રોત્સાહન આપે છે અને મોટે પાયે આવક પ્રાપ્ત કરે છે, શું આમ કરવું યોગ્ય છે?
વિજય શેખર શર્મા:
ગૂગલ એવી મશીનરી છે, જે રસ્તામાં આવો અને સ્વાઈપ કરતાં જાઓ. જેવી રીતે રૂપિયા એડ કરો એવી રીતે ચુકવણી પણ કરી શકો છો. સર્ચ એન્જિનમાં તો એડવર્ટાઈઝમેન્ટ છે. લોકો ટ્વીટ કરે તો શું ગૂગલે સર્ચ એન્જિન બંધ કરી દીધું? તમે ત્યાં એડવર્ટાઈઝ કરી શકો છો અને જ્યારે અમારી એપ પર એડવર્ટાઈઝ આવે તો એ ગેમ્બલિંગ સેશન છે ? આ અત્યંત શરમજનક બાબત છે.

સવાલ: શું ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે આ મામલે દખલગીરી કરવી જોઈએ?
વિજય શેખર શર્મા:
ભારત સરકારે પણ દખલગીરી કરવી જોઈએ. ભારત સરકારે કહેવું જોઈએ કે તમે અહીં આવો અને તમે જે દૂરથી કંટ્રોલ કરી રહ્યા છો એ યોગ્ય નથી. પોતાનો કંટ્રોલ દેશ સુધી જ સીમિત રાખવો જોઈએ. યુપીઆઈ ચલાવવામાં દેશની ઈચ્છા નથી, પરંતુ ગૂગલની ઈચ્છા છે. આજે તો તેમણે અમારી એપ બંધ કરી છે તો તેનાં કારણો પણ તેઓ જ નક્કી કરે છે. ભારત સરકાર ટેક્સ પર પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની સાથે ગેરકાયદે રૂપે અમારી ટેક્નોલોજી કંટ્રોલ કરતી કંપનીઓ પણ અંકુશ મેળવવો જરૂરી છે.

સવાલ: શું તમને લાગે છે કે ભારતને એક એવી સંસ્થાની જરૂર છે કે જે યોગ્ય રીતે નવી અર્થવ્યવસ્થા અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું સમર્થન કરતી હોય?
વિજય શેખર શર્મા:
હા, એ અત્યંત જરૂરી છે. આપણા દેશમાં કાર્ય કરતી એવી સંસ્થાઓ કે જે વિદેશી કંપનીઓના માઉથપીસ બન્યા છે. તેઓ અમારા માટે મોટી અડચણ સમાન છે. દેશમાં એવા સંગઠનની જરૂર છે કે જે ભારતીય ટેક્નોલોજી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે.

સવાલ: ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી દિગ્ગજો દ્વારા આ પ્રકારનાં પગલાં સામે કેવી લડત આપી રહી છે કે જેમની પાસે પુષ્કળ પ્રમાણમાં મૂડી ઉપલબ્ધ છે?
વિજય શેખર શર્મા:
ક્યારેય નાના હારતા કે જીતતા નથી, પરંતુ સંગઠનમાં શક્તિ છે અને સરકાર પર વિશ્વાસ છે. જ્યારે આપણે સૌ એકજૂટ થઈ આગળ આવીશુ, ત્યારે જ વિશ્વને બદલી શકીશું. જ્યારે એક વ્યક્તિ સાથે આમ થઈ રહ્યું છે તો તે અન્ય તમામ સાથે પણ સંભવ છે. જો તમે યુટ્યૂબ અને ફેસબુકનો ઉપયોગ નહીં કરો તો તેઓ રૂપિયા કેવી રીતે મેળવશે. આ કંપનીઓ દેશમાંથી મૂડી લઈ જાય છે. રોકાણ ક્યાં કરે છે.

સવાલ: શું તમને લાગે છે કે, આ પ્રકારની રણનીતિ સરકારના આત્મનિર્ભર મિશન પર અસર કરી શકે છે?
વિજય શેખર શર્મા:
આ સમસ્યા એકલી અમારી એપની નથી. સમજવા જેવી વાત છે કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા, અને ટેક્નોલોજીને કોણ નિયંત્રિત કરે છે. આજે અમારી એપની વાત છે તો કાલે સરકાર વિભાગ અને વિંગ પણ હોઈ શકે છે. અત્યારસુધીમાં દસ સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર અમારી સાથે વાત કરી ચૂક્યા છે કે તેમના પર પણ તાળાં મારવા માટે દબાણ હતું.

મોટી ટેક કંપનીઓ બ્રેન-ડ્રેનનું કારણ, અહીંથી પણ પૈસા લઈ જાય છે
વિજય શેખર શર્માએ કહ્યું હતું કે મોટી ટેક કંપનીઓ, જેમ કે ગૂગલ અને ફેસબુક દેશમાંથી 30થી 35 હજાર કરોડ રૂપિયાની આવક મેળવે છે અને ટેક્સ તો શૂન્ય જ ચૂકવે છે. આ કંપનીઓ દેશના બિઝનેસ પર તેની ધાક પણ જમાવે છે. આ કંપનીઓએ દેશમાં સંપૂર્ણ ટેક્સ જમા કરાવવો જોઈએ. નોકરી અમેરિકામાં આપે છે. આ લોકો બ્રેન ડ્રેન અને આપણે ત્યાંથી પૈસા લઈ જવાનું કારણ છે. બિઝનેસ પર ધાક જમાવે છે કે તમારું ભવિષ્ય અમે નક્કી કરીએ છીએ, તમે કંઈ જ નથી.

Source by [author_name]