• માર્ચ પછી મહિલા ટીમે એક પણ મેચ રમી નથી: કેપ્ટન મિતાલી

ભારતીય વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજ 10 મહિનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. કોરોનાને લીધે માર્ચમાં ટી20 વર્લ્ડ કપ ફાઈનલ પછી ટીમે એક પણ મેચ રમી નથી. યુએઈમાં ભલે 1થી 10 નવેમ્બર સુધી મહિલા આઈપીએલ પ્રસ્તાવિત છે, પરંતુ કોઈ પણ ઈન્ટરનેશનલ સીરિઝ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપના ટાલી દેવાયા બાદ ચિંતા વધી ગઈ છે. મિતાલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

મિતાલીએ કહ્યું કે, ‘ખેલાડી ભવિષ્ય અંગે ચિંતિત છે. તેમની પાસે પ્રેક્ટિસનો કોઈ ઉદ્દેશ્ય નથી. અમને ટૂર્નામેન્ટ અંગે ખબર નથી. અમને એ પણ ખબર નથી કે શેના માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ’. તેણે કહ્યું કે, અમને એક ઉદ્દેશ્યની જરૂર છે. આ અગાઉ અમે જ્યારે પણ દેશની બહાર ઈન્ટરનેશનલ સીરિઝ રમવા જતા હતા તો તેના હિસાબે તૈયારી કરતા હતા. જો ઘરેલુ સીરિઝ હોય, તો તેના અનુસાર તૈયારી થતી હતી. જોકે, આજે અમને ખભર જ નથી કે અમે શેના માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એટલે, ક્યારેક લાગે છે કે, જો અમારી પાસે કોમ્પિટીટિવ ક્રિકેટ કે કોઈ ઈન્ટરનેશનલ સીરિઝ નથી તો અમારી તૈયારીનો કોઈ ઉદ્દેશ્ય નથી રહેતો.

મિતાલીએ માર્ચના અંતમાં ઈન્ટરસ્ટેટ વનડે ટૂર્નામેન્ટ રમવાની હતી, પરંતુ કોવિડ-19ના કારણે આવું થઈ શક્યું નથી. જોકે, મિતાલીએ કહ્યું કે, અમારી સુવિધાઓમાં વધારો થયો છે. હવે પ્રેક્ટિસ દરમિયાન પરિવર્તન જોવા મળશે. અગાઉ અમે નેટ પર કલાકો સુધી બેટિંગ કરતા હતા અને ઓચામાં ઓછા 15 બોલરોનો સામનો કરતા હતા. જોકે, કોરોનાને લીધે તેમાં પરિવર્તન આવ્યું છે. અમારે અલગ-અલગ સ્લોટ ટાઈમમાં પ્રેક્ટિસ કરવાની છે અને માત્ર બેથી ત્રણ બોલર જ સામે હશે. આ બાબતો માટે ખેલાડીઓએ તૈયાર રહેવું પડશે. તેનાથી ખેલાડીઓ કોરોનાથી પહેલાનું પોતાનું ફોર્મ પાછું મેળવી શકશે.

યુવાન ખેલાડીઓને સાચવવા પડકાર
મિતાલીએ કહ્યું કે, કરારબદ્ધ ખેલાડી હોવાને લીધે બાયોબબલમાં રહેવાની અમારી જવાબદારી છે. મેચ માટે આ પગલાં સારા છે. તેનાથી ખેલાડી ખુદને તૈયાર કરી શકશે. મેન્ટલ સેટઅપ અંગે તેણે કહ્યું કે, અમારા માટે સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટના કેટલાક સેશન હશે. અમે સાથી ખેલાડી સાથે પણ તેના અંગે ચર્ચા કરીએ છીએ. જોકે, સૌથી મોટી ચિંતા વર્તમાન ટીમમાં સામેલ યુવાન ખેલાડી છે, જે ડેબ્યુ કરવાના છે. ભવિષ્ય અંગે તેમની ચિંતાઓ અમારે દૂર કરવી પડશે, જેથી તેઓ રમત માટે ખુદને તૈયાર કરી શકે.

પ્રાપ્ત માહિતી મુજબ ટી20 વર્લ્ડ કપ પછી મહિલા ટીમ અનેક મુશ્કેલીઓમાં પસાર થઈ રહી હતી. હજુ કોઈ પસંદગી સમિતિ નથી. આ ઉપરાંત મુખ્ય કોચ ડબલ્યુવી રમનનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. મહિલા આઈપીએલમાં પણ દુનિયાભરના મોટા ખેલાડીઓના સામેલ થવાની સંભાવના ઓછી છે, કેમ કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગની મેચો રમાશે.

Source by [author_name]