• ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થયેલી હિંસા, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવી તે બન્ને ઘટના માનવ અધિકારોનું ઉલ્લંઘન તરીકે ટાંકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી
  • કેન્દ્ર સરકારે કહ્યું- એમ્નેસ્ટી માનવ અધિકારની આડ લઈ ભારતના કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં

હ્યૂમન રાઈટ્સ (માનવ અધિકાર) માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ (Amnesty International)એ મંગળવારે દેશમાં પોતાની કામગીરી બંધ કરી દીધી છે. સંસ્થાએ કહ્યું છે કે ગૃહ મંત્રાલય અમને છેલ્લા બે વર્ષથી હેરાન કરી રહ્યું હતું. આ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે એમ્નેસ્ટીને ભારતમાં કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. જોકે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતીય કાયદા પ્રમાણે વિદેશોમાંથી ભંડોળ મેળવતી કોઈ પણ સંસ્થા દેશની રાજકીય ચર્ચામાં દરમિયાનગીરી કરી શકતી નથી. આ બાબત એમ્નેસ્ટી સહિત તમામ સંસ્થાને લાગૂ પડે છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે વિદેશી યોગદાન (નિયમન) ધારો,2010 (FCRA) કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સરકારે કહ્યું- કાયદાનું ઉલ્લંઘન કરવા માટે માનવ અધિકારનો સહારો લઈ શકાય નહીં. તેમણે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. હવે તે છૂપાવવા માટે નિવેદન આપવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા જે ગેરરીતિઓ આચરવામાં આવેલી છે તે અંગે વિવિધ તપાસ એજન્સી તેમની તપાસ કરી રહી છે, જેને પ્રભાવિત કરવા માટે વિવિધ હરકતો કરવામાં આવી રહી છે.

એમ્નેસ્ટીએ ભારતની ચાર સંસ્થાને ગેરકાયદેસર રીતે નાણાં મોકલ્યા
ગૃહ મંત્રાલયે કહ્યું કે એમ્નેસ્ટીએ 20 વર્ષ અગાઉ ફક્ત એક વખત 20 ડિસેમ્બર,2000માં FCRA અંતર્ગત મંજૂરી મેળવી હતી. ત્યારબાદ સતત અરજી આપવામાં આવ્યા બાદ તેને વિદેશી ભંડોળ મેળવવાની પરવાનગી આપવામાં ન આવી. કારણ કે ભારતીય કાયદા પ્રમાણે તે યોગ્ય માપદંડનું પૂરા કર્યા નથી.

એમ્નેસ્ટી UKએ ભારતમાં રજિસ્ટર્ડ 4 સંસ્થાને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અંતર્ગત મોટી રકમ મોકલી હતી. એમ્નેસ્ટી ઈન્ડિયાને પણ મોટી રકમ મોકલવામાં આવી હતી. આ માટે પણ FCRA અંતર્ગત ભારત સરકાર પાસેથી મંજૂરી પણ મેળવી ન હતી. ત્યારે બાદથી તેના તમામ અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા.

અગાઉની સરકારોમાં પણ એમ્નેસ્ટીની કામગીરી અવરોધરૂપ હતી
ગેરકાયદેસર કામ કરવાને લીધે અગાઉની સરકારે પણ એમ્નેસ્ટીને વિદેશોમાંથી ભંડોળ મેળવવા માટે આપવામાં આવેલી અરજીને મંજૂરી આપી ન હતી.તે સમયે પણ એમ્નેસ્ટીએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. સરકાર તરફથી કરવામાં આવેલી તપાસમાં માલુમ પડ્યુ કે એમ્નેસ્ટીએ ભંડોળ મેળવવા માટે ખોટી અને અયોગ્ય પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

એમ્નેસ્ટીએ બે અહેવાલમાં સરકારની ટીકા કરી હતી
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે તાજેતરમાં બે એવા અહેવાલ પ્રકાશિત કર્યા છે કે જેમા સરકારની ટીકા કરી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં જે હિંસા થઈ હતી તે તેમ જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવામાં આવી તે બન્ને ઘટનાને લઈ સરકારની આકરી ટીકા કરી હતી. આ સંસ્થાએ ભારત સરકાર પર માનવ અધિકારોનું ઉલ્લંઘન થતુ હોવાનો દાવો કર્યો હતો. એમ્નીસ્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે તેના આ બે અહેવાલને લીધે ભારત સરકાર તેને હેરાન કરે છે.

Source by [author_name]