‘બાલિકા વધુ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર રામવૃક્ષ ગૌર આઝમગઢમાં શાક વેચે છે. જ્યારે, ‘ડ્રીમ ગર્લ’ એક્ટર સોલંકી દિવાકર દિલ્હીમાં ફળ વેચે છે.

કોરોના વાઇરસ મહામારીએ દુનિયાની અર્થવ્યવસ્થાને હલાવી દીધી છે. લોકોની નોકરીઓ છૂટી ગઈ છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઇ ગયું છે. મહામારીની અસર ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે. ઘણી ફિલ્મો અને ટીવી શોનું શૂટિંગ અટકી પડ્યું છે જેનાથી કલાકાર બેરોજગાર થઇ ગયા છે. કમાણી માટે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આ કારણે અમુક શાક વેચવા મજબૂર થયા તો કોઈએ સોશિયલ મીડિયા પર આર્થિક મદદ માગીને ગુજરાન ચલાવ્યું.

રામવૃક્ષ ગૌર

ઘણા ટીવી શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા રામવૃક્ષ ગૌર કામ ન મળવાને કારણે હાલ આઝમગઢમાં શાકભાજી વેચી રહ્યા છે. જોકે હવે તેમણે આ કામ બંધ કરી દીધું છે. રામના જણાવ્યા મુજબ હવે તેમને એક ભોજપુરી ફિલ્મમાં કામ મળી ગયું છે જેમાં તે આસિસ્ટન્ટ ડિરેક્ટર રહેશે.

થોડા દિવસ પહેલાં તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા 18 વર્ષમાં મેં ઘણા ટીવી શો અને ફિલ્મો કરી, જેમાં મેં સારા એવા પૈસા કમાયા. જોકે, છેલ્લા 3 વર્ષથી મારી તબિયત ઘણી ખરાબ છે જેને કારણે હું વધુ કામ કરી શકતો નથી. આ દરમ્યાન મારી જેટલી બચત હતી તે સારવારમાં ખર્ચ થઇ ગઈ.’

‘કોઈ રીતે કામ ચાલી રહ્યું હતું પરંતુ લોકડાઉનમાં મારી આર્થિક સ્થિતિ ઘણી વધુ ખરાબ થઇ ગઈ. થોડા પૈસા ભેગા કરવા માટે મેં ફરી શાક વેચવાનું જૂનું કામ શરૂ કર્યું. આમાં મને કઈ ખોટું ન લાગ્યું.’

સોલંકી દિવાકર

દિવાકર આયુષ્માન ખુરાના સ્ટારર ‘ડ્રીમ ગર્લ’ અને સુશાંત સિંહ સ્ટારર ‘સોનચિરૈયા’ ફિલ્મમાં દેખાયા હતા. લોકડાઉન પહેલાં દિવાકર રિશી કપૂર સાથે ફિલ્મ ‘શર્મા જી નમકીન’નું શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ ફિલ્મોનું શૂટિંગ બંધ થઇ ગયું અને દિવાકર પાસે કોઈ કામ બચ્યું ન હતું. આવામાં તેમણે દિલ્હીમાં ફળ વેચવાનું કામ શરૂ કર્યું.

દિવાકરે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘લોકડાઉન લંબાયું તો મને ઘરનું ભાડું દેવામાં અને પરિવારની જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી આવવા લાગી. તો મેં ફળ વેચવાનું કામ શરૂ કર્યું.’

રાજેશ કરીર

થોડા દિવસ અગાઉ ‘બેગુસરાય’ અને ‘CID’ જેવા શોમાં કામ કરી ચૂકેલા એક્ટર રાજેશ કરીરનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં તેમણે રડતા રડતા આર્થિક તંગી વિશે જણાવીને મદદ માગી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો અને ઘણા લોકોએ રાજેશની મદદ કરી.

રાજેશે કહ્યું, ‘એવું લાગ્યું જાણે આખો દેશ મારી મદદ કરવા માટે આગળ આવ્યો. હું તમારા બધાનો દિલથી આભારી છું. તમે બધાએ મારી લાયકાતથી વધુ મારી મદદ કરી દીધી પણ હવે હું કહેવા માગું છું કે મારા અકાઉન્ટમાં પૈસા ના નાખો. મને આશા કરતા વધુ આર્થિક મદદ મળી ગઈ છે. પરંતુ હવે આગળ પરિવારનું ધ્યાન મારે જાતે જ રાખવાનું છે.’

નૂપુર અલંકાર

‘સ્વરાગિની’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દું’, ‘દિયા ઔર બાતી હમ’, ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ અને ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલા એક્ટ્રેસ નૂપુર અલંકારની પણ લોકડાઉનમાં આર્થિક તંગીમાંથી પસાર થવાની ખબર આવી હતી.

તેમની મિત્ર રેણુકા શહાણેએ એક ફેસબુક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કરી લોકોને નૂપુરની આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી. રેણુકાએ જણાવ્યું કે નૂપુર પાસે તેની બીમારીની સારવાર માટેના પૈસા નથી ત્યારબાદ તેની મદદ માટે અક્ષય કુમાર આગળ આવ્યા હતા. ત્યારબાદ નૂપુરે અક્ષયને મદદ માટે આભાર કહ્યું હતું.

Source by [author_name]