તસવીરમાં ઉપર ડાબેથી ઝાંગ યોંગઝેન, શિઓરી ઈતો, કેમિલા રોથ, માઈકલ બી જોર્ડન, એન્થોની ફૉસી, એન હિડાલ્ગો, નેમોન્ટે નેનક્વિમો, એરિક યુઆન, પેટ્રિસે કુલર્સ, એલિસિયા ગર્જા અને ઓપલ ટોમેટી અને વડાપ્રધાન મોદી.

  • 2020ની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં વડાપ્રધાન મોદી સહિત પાંચ ભારતીય સામેલ

ટાઈમ મેગેઝિને વર્ષ 2020માં દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિની પસંદગી આ વખતે થોડા જુદા માપદંડના આધારે કરી છે. આ વર્ષે કોરોના મહામારીએ ઈતિહાસ સર્જાયો એટલે આ યાદીમાં ડૉક્ટરો-વિજ્ઞાનીઓ સિવાય બીજા ક્ષેત્રના એવા અનેક લોકો છે, જે જાણીતા નથી પરંતુ તેમણે અસામાન્ય કામ કરીને લોકોને બચાવ્યા છે. આશા, ઉત્સાહ અને ઉમંગથી લોકોને હિંમત આપી છે. આ યાદીમાં પાંચ ભારતીય પણ છે.

આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહીનબાગ આંદોલનનો ચહેરો બિલ્કિસ બાનો, એક્ટર આયુષ્માન ખુરાના, ગૂગલના વડા સુંદર પિચાઈ અને કેમ્બ્રિજમાં મેડિકલ રિસર્ચના પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તા પણ સામેલ છે. આ યાદી જાહેર થયા પછી ભારતીયો વિશે સતત માહિતી આવી રહી છે. જોકે, અહીં તેમના વિશે ટૂંકાણમાં માહિતી આપી છે. વાંચો એ દસ લોકો વિશે જે ઘણા સમયથી પ્રેરણાત્મક કામ કરી રહ્યા છે.

ઝાંગ યોંગઝેન: કોરોના મહામારીને ઓળખી
દુનિયામાં તબાહી મચાવનારી કોરોના મહામારીની ઓળખ કરવામાં ચીનના વિજ્ઞાની ઝાંગ યોંગઝેને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઝાંગની ટીમે પહેલા કોવિડ-19ના જિનોમ-જિનેટિક સંરચનાની જાણકારી પ્રકાશિત કરી હતી. આ ડેટાની મદદથી જ વિજ્ઞાનીઓએ જાન્યુઆરીમાં જ વાઈરસ ઓળખવાની ટેસ્ટ કિટ બનાવી. આ કારણસર ચીન અને અન્ય દેશોમાં સંક્રમણ કાબૂમાં લઈ શકાયું અને અનેક લોકોના જીવ બચાવી શકાયા.

શિઓરી ઈતો: યૌનશોષણ સામેનો અવાજ
શિઓરીએ યૌનશોષણ વિરુદ્ધ બહાદુરીથી અવાજ ઉઠાવીને જાપાની મહિલાઓને હંમેશા માટે બદલી નાંખી. તેની સાથે દુષ્કર્મ કરનારી વ્યક્તિ રાજકીય રીતે ખૂબ જ મજબૂત હતી એટલે તે યુવક અદાલતી કાર્યવાહીથી બચી ગયો, પરંતુ ઈતોએ તેની વિરુદ્ધ ડિસેમ્બરમાં કેસ કર્યો અને જીત્યો. તેમની જીતે જાપાનમાં #મીટૂ આંદોલનને જન્મ આપ્યો. યૌનહિંસા વિરુદ્ધ મહિલાઓએ રાષ્ટ્રીય ફૂલ આંદોલન છેડી દીધું, જે અંતર્ગત મહિલાઓ ફૂલ લઈને પોતાના શોષણની વાત જાહેર કરે છે.

કેમિલા રોથ: લડાઈને સરળ બનાવી
કોરોના મહામારી વિરુદ્ધ લડાઈનું સૌથી અઘરું પાસું લક્ષણ નહીં ધરાવતા દર્દી છે. જર્મનીના મ્યુનિકમાં સંક્રમક બીમારીઓના નિષ્ણાત ડૉ. કેમિલા રોથ અને તેમની ટીમે જાન્યુઆરીમાં સૌથી પહેલાં લક્ષણ વિનાના સંક્રમણની ઓળખ કરી હતી. લક્ષણ વિનાની બીમારીના તેમના રિપોર્ટને શંકાની નજરે જોવાયો હતો. આખરે અનેક દર્દીઓ લક્ષણ વિના બીમાર હોવાનું સાબિત થઈ ગયું. આ તથ્ય દુનિયાભરના નિષ્ણાતોએ સ્વીકાર્યું અને તેમની શોધથી અનેક લોકોના જીવ બચાવી શકાયા.

માઈકલ બી જોર્ડન: શક્તિશાળી ભૂમિકા ભજવી
માઈકલ જોર્ડનની ઊર્જા અને પ્રતિભા અલગ જ નજરે પડે છે. તેમાં તાજગી છે. તેમની કામ કરવાની પદ્ધતિ, લગન અને શ્રેષ્ઠ આપવાની ઈચ્છા જબરદસ્ત છે. તેમણે ‘જસ્ટ મર્સી’ ફિલ્મમાં નાગરિક અધિકાર વકીલ બ્રાયન સ્ટીવન્સનની સશક્ત ભૂમિકા ભજવી છે. તેમની પ્રોડક્શન કંપની આઉટલિયર સોસા.એ હોલિવૂડમાં સમાનતાની વાત આગળ વધારી. માઈકલ કેમેરા પડદા પાછળ પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. તેઓ હંમેશા કંઈક નવું કરે છે.

લાસ્ટેરિસ: મહિલાઓનો સશક્ત અવાજ
ચિલીમાં મ્યુઝિક અને ડાન્સ રજૂ કરતી મહિલાઓના ગ્રૂપ લાસ્ટેસિસે બતાવ્યું કે, લોકપ્રિય આર્ટ ફક્ત મનોરંજન નથી, પરંતુ વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે. લાસ્ટેસિસે એક આંતરરાષ્ટ્રીય હિટ સોંગ અને ડાન્સ કર્યો, જે વાયરલ થઈ ગયો. અન્ય મ્યુઝિક ગ્રૂપ સમાન તેમના ગીતમાં મોજમસ્તી નથી. ગ્રૂપે સેન્ટિયાગો, ચિલીમાં સુપ્રીમ કોર્ટ બહાર 25 નવેમ્બર, 2019ના રોજ દુષ્કર્મીની વાત કરતું ગીત રજૂ કર્યું હતું. આ ગીત ટૂંક સમયમાં જ વિશ્વના 52 દેશની મહિલાઓનું ગીત બની ગયું. આ ગીત સાથે તેમણે ડાન્સ સાથે ધરણા કર્યા. આ દરમિયાન પોલીસ આંદોલનકારીઓની ધરપકડ કરવા આવે ત્યારે તેઓ જમીન પર આડા પડી જાય છે.

એન્થોની ફૉસી: સાહસ અને સત્યના સાથી
અમેરિકામાં કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે લોકો જાણતા હતા કે આપણે એક વ્યક્તિની સલાહ પર અમલ કરી શકીએ છીએ – એ છે રાષ્ટ્રીય એલર્જી, ચેપી રોગ સંસ્થાનના ડિરેક્ટર ડૉ. એન્થની ફૉસી. કોવિડ-19એ જ્યારે માથું ઊંચક્યું ત્યારે ડૉ. ફૉસી તમામ જરૂરી તથ્યો સાથે હાજર થનારા લોકોમાં સૌથી આગળ હતા. તે ફક્ત તથ્ય રજૂ કરે છે. ડૉ. ફૉસી સીધી વાત જ કરે છે. રાજનેતાઓના દબાણ હેઠળ આવતા નથી. તે કડવું સત્ય ઈમાનદારી સાથે રજૂ કરે છે. તેમનું એકમાત્ર લક્ષ્ય જીવન
બચાવવાનું છે.

એન હિડાલ્ગો: સંકટનો ઉપાય
પાંચ વર્ષ પૂર્વે વિશ્વના લગભગ તમામ નેતાઓએ પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાનો રસ્તો તૈયાર થયો હતો. આ આયોજનના મેજબાન પેરિસના મેયર એન હિડાલ્ગો હતા. તેના પછી તેમણે ક્લાઈમેટ સંકટને ઉકેલવાના આંદોલનની આગેવાની લીધી. તેમણે પેરિસને સ્વચ્છ, સ્વાસ્થ્ય માટે અનુકૂળ શહેરના ઉદાહરણ તરીકે રજૂ કર્યુ છે. હિડાલ્ગોએ પેરિસને પગપાળા ચાલનારા અને સાઈકલ સવારો માટે સુવિધાજનક બનાવ્યું છે. કારની અવર-જવરમાં કાપ મૂકી હવાને સુરક્ષિત બનાવી છે.

નેમોન્ટે નેનક્વિમો: એમેઝોનના મસીહા
ગત વર્ષે એમેઝોનનાં જંગલોને આગથી બચાવવાને બદલે હજારો એકરમાં લાગેલી આગ માટે વધુ ઓળખાયા હતા, પણ વાવરાની પાસ્ટાજા સંગઠનના પ્રેસિડેન્ટ નેમોન્ટે નેનક્વિમો દ્વારા દાખલ કેસ અંધારામાં દુર્લભ રોશની જેવો સાબિત થયો છે. ચુકાદાએ ભૂમધ્યરેખા પર વાવરાની આદિવાસીઓની વારસાગત જગ્યાને નષ્ટ કરતા અટકાવી દીધું છે. નેમોન્ટોનું કહેવું છે કે તે ઉદ્યોગો અને ઓઈલ કંપનીઓથી જંગલોને બચાવવા લડત ચાલુ રાખશે. તેમણે પોતાના સમુદાય અને પરિવેશની સુરક્ષા માટે પોતાનું સંઘર્ષ ચાલુ રાખ્યું છે.

એરિક યુઆન: સંકટનો સહારો
ઝૂમને મહામારીના યુગની ઓળખ બતાવનારી કંપની પણ કહી શકાય. એરિક યુઆનની વીડિયો કોન્ફરન્સિંગ સોફ્ટવેર કંપની ઝૂમ ટીમ મીટિંગ, મોજ-મસ્તી વચ્ચે ચાલતાં લગ્નો કે લાખો વિદ્યાર્થીઓના ક્લાસરૂમનો પાયો સાબિત થઈ છે. કેટલાક લોકો ઝૂમને કોવિડ-19 મહામારીનો સંયોગથી લાભ ઉઠાવનારી કંપની કહે છે. જોકે ઝૂમની સફળતા અનાયાસ નથી. ઝૂમે તેનાથી મોટા અને અનુભવી હરીફોને હંફાવી દીધા છે. તેમની પાસે ઝૂમ કરતાં સારી નેટવર્ક કનેક્ટિવિટી છે.

સીઝર: હિમ્મતની તસવીર
સીરિયન સરકારના પૂર્વ ફોરેન્સિક ફોટોગ્રાફર સીઝર (છદ્મ નામ) દ્વારા લેવાયેલ 53 હજાર 275 ફોટામાંથી એકમાં મેજે, દમાસ્કસમાં એક સૈન્ય હોસ્પિટલની ગેરેજમાં બે ડઝનથી વધુ કોહવાઈ ગયેલાં શબ બતાવાયાં હતાં. 2011થી 2013 વચ્ચે સીઝરે તેના કેમેરાનું ધ્યાન યાતનાઓ, ભૂખના કારણે જેલોમાં મૃત લોકો પર કેન્દ્રીય રાખ્યું હતું. તેમણે મોટું જોખમ ખેડ્યું હતું. સીઝરે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદ અને તેમની સરકારના યુદ્ધ અપરાધોના ફોટાની કોપીઓ બનાવી. તેમની ધરપકડ કરી ફાંસીના માંચડે લટકાવી શકાયા હોત. સીઝરની તસવીરો અસદ શાસનકાળમાં માનવતા વિરુદ્ધ અપરાધોનો સૌથી મજબૂત પૂરાવા છે.

ટાઇમ 100: શક્તિશાળી લોકો વચ્ચે આંદોલનકારીઓની પ્રેરક ચમક
2020ના પ્રભાવશાળી લોકોમાં મોટી હસ્તીઓની સાથે કેટલાક આંદોલનોને જન્મ આપનારા સાધારણ એક્ટિવિસ્ટ પણ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેર બોલ્સોનારો, અમેરિકી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જો બાઇડેન અને ઉપપ્રમુખપદનાં ઉમેદવાર કમલા હેરિસે પણ દસ્તક દીધી છે. વાઇરસ સામે લડવાની ક્ષમતા દેખાડનારા તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ સાઇ ઇંગ વેનનો પણ યાદીમાં ઉલ્લેખ છે. જાપાનની ટેનિસ પ્લેયર નાઓમી ઓસાકા, ફોર્મ્યૂલા વન રેસર લુઇસ હેમિલ્ટન પણ ખાસ લોકોની યાદીમાં ઝળહળી રહ્યાં છે. પ્રભાવશાળી લોકોમાં 54 મહિલા છે, જેમાં સમાનતા માટે સંઘર્ષરત ઘણી એક્ટિવિસ્ટ્સ સામેલ છે. બ્લેક લાઇવ્સ મેટર આંદોલનની એલિસિયા ગર્જા, પેટ્રિસે કુલર્સ, ઓપલ ટોમેટીએ રંગભેદી અન્યાય વિરુદ્ધ દુનિયાભરમાં જનમત ઊભો કર્યો છે. મેક્સિકોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં દેશવ્યાપી હડતાળ કરાવનારા અરુસિ ઉંડાની ભૂમિકાને પણ યાદ કરાઇ છે.

બ્લેક લાઇવ્સ મેટર
સબરિના ફુલ્ટન લખે છે કે મારો પુત્ર ટ્રેવોન માર્યો ગયો ત્યારે મેં પહેલી વાર બ્લેક લાઇવ્સ મેટર વિશે સાંભળ્યું હતું. પેટ્રિસે કુલર્સ, એલિસિયા ગર્જા અને ઓપલ ટોમેટીએ આ આંદોલનનો પાયો નાખ્યો છે. આમ તો તેઓ 3 મહિલા છે પણ તેમને બધે જોઇ શકાય છે. તેમણે લોકોને અશ્વેતો પરના અત્યાચારો અંગે વિચારવા વિવશ કર્યા છે. લોકો વિચારવા લાગ્યા છે કે તેમના 17 વર્ષના દીકરાને જમીન પર પાડીને મારી નંખાય તો શું થશે? પોલીસ ઘરમાં ઘૂસીને તમારી દીકરીને મારી નાખે તો શું થશે? ત્યારે તમને કેવું લાગશે? બ્લેક લાઇવ્સ મેટર આ સવાલ પૂછે છે. આ વર્ષ પાછલાં વર્ષોની તુલનાએ અલગ રહ્યું છે. જ્યોર્જ ફ્લોઇડની નિર્મમ હત્યાનો વીડિયો આવ્યા બાદ લોકો આફ્રિકન અમેરિકનોની પીડા સમજ્યા છે. અશ્વેતો પર અત્યાચારોના વિરોધમાં થયેલા આંદોલનોમાં બધા દેશોના લોકોએ ભાગ લીધો છે.

Source by [author_name]