બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઈ માટે વિક્રેતાઓએ લેખવું પડશે કે કઈ તારીખ સુધી આ મીઠાઈનો ઉપયોગ કરી શકાશે.

1 ઓક્ટોબરથી આ નવ ફેરફારો થવાના છે. જાણો પરિવર્તનથી તમને કેટલો અને કઈ રીતે ફાયદો થશે…

લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીં: વાહન ચલાવતી વખતે હવે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે. તેમની સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે. મોટર વાહન અધિનિયમ, 1989માં સુધારા અંતર્ગત વાહનના ડોક્યુમેન્ટ્સની આઇટી પોર્ટલ દ્વારા જાળવણી થશે.

વાહન ચલાવતી વખતે મોબાઇલ યુઝ કરી શકાશે: વાહન ચલાવતી વખતે રૂટ નેવિગેશન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવું જોઈએ. મોબાઇલ પર વાત કરવા બદલ 5 હજાર રૂ. સુધીનો દંડ થઈ શકશે.

ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી પડશે: બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઇ માટે વેપારીએ એના ઉપયોગ માટેની એક્સપાયરી ડેટ દર્શાવવી પડશે. ખાદ્ય નિયામક એફએસએસએઆઇએ એ ફરજિયાત કરી દીધું છે.

આરોગ્ય વીમા પોલિસીમાં ફેરફાર: વીમા નિયંત્રક ઇરડાના નવા નિયમો મુજબ પોલિસીધારકે સતત 8 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો કંપનીઓ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે. વધુ બીમારીઓ પણ કવર થશે. જોકે એને કારણે પ્રીમિયમ વધી શકે છે.

વિદેશમાં નાણાં મોકલવા પર 5 ટકા ટેક્સ: વિદેશમાં સંતાનોને કે સંબંધીઓને નાણાં મોકલો કે પ્રોપર્ટી ખરીદો તો જે-તે રકમ પર 5 ટકા ટીસીએસ ચૂકવવો પડશે. ફાઇનાન્સ એક્ટ, 2020 મુજબ લિબરલાઇઝ્ડ રિમિટન્સ સ્કીમ હેઠળ વાર્ષિક 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે. એને ટીસીએસના દાયરામાં લવાઈ છે.

સરસિયામાં ભેળસેળ નહીં: હવે સરસવનું તેલ (સરસિયું) શુદ્ધ મળશે. એફએસએસએઆઇએ એમાં બીજાં તેલ મિલાવવા પર રોક લગાવી દીધી છે. અત્યારસુધી એમાં રાઇસ બ્રાન ઓઇલ કે સસ્તાં તેલ મિલાવાતાં હતાં.

કલર ટીવી મોંઘાં થશે: કેન્દ્ર સરકારે કલર ટીવીના એસેમ્બલિંગમાં વપરાતા ઓપન સેલ કમ્પોનન્ટની આયાત પર 5 ટકા કસ્ટમ ડ્યૂટી બહાલ કરી દીધી છે. તેના પર સરકારે એક વર્ષની છૂટ આપી હતી.

ગૂગલ મીટ પર ફ્રી મીટિંગ 60 મિનિટ જ: ઓનલાઇન મીટિંગ માટે ગૂગલ મીટનો ઉપયોગ મર્યાદિત થશે. ફ્રી યુઝર મહત્તમ 60 મિનિટ મીટિંગ કરી શકશે. પેઇડ યુઝર્સ એનાથી લાંબી મીટિંગ કરી શકશે.

ઉજ્જવલા ગેસ-કનેક્શન ફ્રી નહીં: એલપીજી (રાંધણગેસ) કનેક્શન વિનામૂલ્યે મેળવવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે. કોરોનાને કારણે આ તારીખ લંબાવાઈ હતી.

Source by [author_name]