• પાંચ વર્ષની યોજના, પીએલઆઈ સ્કીમ અંતર્ગત રોકાણ થશે

આઈફોન બનાવતી કંપની એપલના ટોપ-3 કોન્ટ્રાક્ટ સપ્લાયર ભારતમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 6500 કરોડનુ રોકાણ કરશે. આ રોકાણ કેન્દ્ર સરકારના નવા પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના અંતર્ગત થશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એપલના 3 કોન્ટ્રાક્ટ સપ્લાયરમાં ફોક્સકોન, વિસ્ટ્રોન, અને પેગાટ્રોન સામેલ છે. દેશમાં 665 કરોડ ડોલર (રૂ. 49,210 કરોડ)ની પીએલઆઈ યોજના કંપનીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનના વેચાણમાં 2019-20ની તુલનાએ વૃદ્ધિ નોંધાવા પર કેશ ઈન્સેન્ટીવ રજૂ કરે છે. જેનો હેતુ ભારતને એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. ફોક્સકોને આશરે રૂ. 4000 કરોડના રોકાણ માટે અરજી આપી છે.

જ્યારે વિસ્ટ્રોન અને પેગાટ્રોન અનુક્રમે રૂ. 1300 કરોડ અને રૂ. 1200 કરોડનુ રોકાણ કરશે. તમામ રોકાણ પીએલઆઈ યોજના અંતર્ગત થશે. જો કે, હાલ સ્પષ્ટ નથી કે, તમામ રોકાણ દેશમાં એપલના ડિવાઈસ મેન્યુફેક્ચરિંગમાં થશે કે નહીં. પરંતુ સુત્રો અનુસાર, તેનો મોટો હિસ્સો આઈફોન બનાવતી કંપની એપલ માટે ઉપયોગમાં લેવાશે. આ 3 કંપનીઓ વૈશ્વિક સ્તરે એપલ ઉપરાંત અન્ય કંપનીઓ માટે પણ ડિવાઈસ બનાવે છે. દેશમાં હાલ આ ત્રણેય કંપની એપલ માટે કામ કરે છે. આ 3 કંપનીઓએ હાલ કોઈ સ્પષ્ટતા આપી નથી.

માર્ચમાં 6.8% GDP ઘટ્યો, જૂનમાં 3.2%ની ગતિએ વધ્યો
વિસ્ટ્રોન ભારતમાં દરમહિને 2 લાખ આઈફોન ઉત્પાદિત કરે છે. વર્ષના અંત સુધી તે વધારી પ્રતિ માસ ચાર લાખ સુધી પહોંચાડવા માગે છે. જેથી કંપની એક્સપોર્ટની માગ પૂર્ણ કરી શકે. 10 હજાર લોકોને રોજગાર મળશે. પેગાટ્રોને ભારતમાં પોતાના કામકાજ શરૂ કર્યા નથી. તે રાજ્યો સાથે ચર્ચા કરી રહી છે. તમિલનાડુ જેવા રાજ્યમાં પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે.

ફોક્સકોન શાઓમી માટે પણ ફોન બનાવે છે
ફોક્સકોન દેશમાં શાઓમી માટે પણ ડિવાઈસ બનાવે છે. શાઓમીની ડિમાન્ડ પૂરી કરવા ઉપરાંત તેની પાસે વધુ ક્ષમતા છે. હવે તે તેનો ઉપયોગ પીએલઆઈ યોજનાઓ માટે કરી શકે છે. તેનાથી આઇફોનના ઉત્પાદનમાં વધારો થશે. યુએસ-ચીન વેપાર યુદ્ધમાં અટવાયેલા ચીનની બહાર એપલની સપ્લાય ચેઇનને વિસ્તૃત કરવામાં પ્રતિબદ્ધતાઓ પણ મદદ કરશે.

એપલે 2017માં એસેમ્બલિંગની શરૂઆત કરી
એપલે 2017માં વિસ્ટ્રોનના બેંગ્લોર પ્લાન્ટમાં ભારતમાં ઓછી કિંમતે આઇફોન એસેમ્બલ કર્યું હતું. ગયા વર્ષથી ફોક્સકોન સાથે એસેમ્બલ કરવાનું પ્રારંભ કર્યું હતું. ચીન પછી ભારત એપલ માટે સૌથી વધુ પસંદીદા દેશ છે. સ્થાનિક ઉત્પાદનને લીધે ભાવમાં ઘટાડો થશે. તે આયાતી ઉત્પાદનો પરની ડ્યુટીમાંથી મુક્ત થશે. એપલે ભારતમાં પ્રથમ ઓનલાઇન સ્ટોર શરૂ કર્યો છે.

Source by [author_name]