ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન.

  • રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં શાસક પક્ષના અને વિપક્ષી ઉમેદવારો વચ્ચે ચર્ચા પર દુનિયાની નજર

અમેરિકામાં ચૂંટણી પૂર્વે યોજાતી પહેલી પ્રેસિડેન્શિયલ ડીબેટની સૌ રાહ જોઇ રહ્યા છે. જોકે, પાછલાં આંકડા અને તથ્યોના આધારે એવું મનાય છે કે આ ડીબેટથી પરિણામો પર ઝાઝો ફરક નથી પડતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખની આધુનિક ચૂંટણી સ્થિર પ્રકૃતિની મનાય છે. એટલે કે એક વાર જે ઉમેદવાર સરસાઇ મેળવી લે તેને પાછળ છોડવો મુશ્કેલ હોય છે. આ વખતે કોરોના મહામારી અને રંગભેદવિરોધી દેખાવો જેવી અસામાન્ય ઘટનાઓએ ચૂંટણી પર ઘેરી છાપ છોડી છે.

‘ધ ઇકોનોમિસ્ટ’ના સરવે મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 54 ટકા વોટ મળી શકે છે જ્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 46 ટકા વોટ મળવાની શક્યતા છે. આ ટકાવારીમાં તાજેતરના દિવસોમાં કોઇ ખાસ ફેરફાર નથી થયો. અગાઉની ચૂંટણીઓના આધારે એવું અનુમાન છે કે ડીબેટ બાદ બાઇડેન પાછળ રહે તેવી શક્યતા 5%થી પણ ઓછી છે. હાલ મોટા ભાગના સરવેમાં બાઇડેન ટ્રમ્પથી આગળ છે.

કોલંબિયા યુનિવર્સિટી અને યુનિવર્સિટી આૅફ ટેક્સાસના પોલિટિકલ સાયન્ટિસ્ટ રોબર્ટ ઇરિક્સન અને ક્રિસ્ટોફર બ્લેજિએને આંકડાનું વિશ્લેષણ કર્યું છે. તેના આધારે તારણ નીકળ્યું છે કે પરિણામો પર ડીબેટની બહુ ઓછી અને તાત્કાલિક અસર થાય છે. વર્ષ 1960માં જ્યારે પહેલી વાર રાષ્ટ્રીય સ્તરે ટીવી પર પ્રસારિત ડીબેટ થઇ ત્યારે પણ લગભગ ઓપિનિયન પોલ મુજબનું જ પરિણામ આવ્યું હતું. ત્યારથી આ જ ટ્રેન્ડ જળવાયો છે. 1960 પછીનાં 12 ચૂંટણી અભિયાનમાંથી માત્ર એક વખત એવું થયું કે જ્યારે ડીબેટ બાદ કોઈ ઉમેદવારે સરસાઈ મેળવી હોય.

વર્ષ 2000ની ચૂંટણીમાં આમ બન્યું હતું કે જ્યારે જ્યોર્જ બુશે ડીબેટ બાદ અલ ગોર સામે સરસાઈ મેળવી હતી. તે ચૂંટણી પણ વિવાદિત રહી અને સુપ્રીમકોર્ટમાં પહોંચી હતી. ક્લીવલેન્ડમાં બંને ઉમેદવાર વચ્ચેની પહેલી ડીબેટમાં ટ્રમ્પ પાસે સરસાઈ મેળવવાની તક છે. જોકે, ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત ટ્રમ્પના કરચોરીના કેસને બાઇડેન મુદ્દો બનાવી શકે છે. ટ્રમ્પે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા છે.

ટ્રમ્પે કહ્યું- બાઇડેન ભગવાન, બાઇબલ અને ધર્મની વિરુદ્ધ
ટ્રમ્પે એક રેલીમાં કહ્યું કે બાઇડેન ભગવાન, બાઇબલ અને ધર્મની વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટનાં નવનિયુક્ત જજ એમી કોને બેરેટના ધાર્મિક વિશ્વાસ પર સવાલ ઉઠાવવો એન્ટિ કેથલિક એટેક છે. જજ બેરેટના બહાને ડેમોક્રેટિક પાર્ટી ધર્મ મુદ્દે રાજકારણ કરે છે. રિપબ્લિકન પાર્ટીના નેતા લાઉ હોત્જે પણ કહ્યું કે બાઇડેન માત્ર નામના કેથલિક છે.

Source by [author_name]